Source
યોજના, જાન્યુઆરી, 2013
લુણાવાડા તાલુકામાં પીવાના પાણીનો મુખ્ય સ્રોત હેન્ડપંપ છે. અહીં છુટીછવાયી વસતિ ડુંગરાળ પ્રદેશમાં રહેતી હોવાથી અને પાણીના તળ ઊંડા હોવાના કારણે પ્રજા હેન્ડપંપ ઉપર આધારિત છે. લુણાવાડા તાલુકામાં કુલ હેન્ડપંપની સંખ્યા ૩૩૭૬ છે. પાણી પૂરવઠા બોર્ડ દ્વારા હેન્ડપંપ મરામતની ટીમોથી હેન્ડપંપ રીપેરીંગ થાય છે. પરંતુુ, તાલુકાના લોકોને વહીવટી કચેરી દ્વારા તાલીમ આપીને લોકભાગીદારીથી જ હેન્ડપંપ રીપેરીંગ થાય તો પરિણામ સારું આવે છે.
ગુજરાત રાજયની પૂર્વપટ્ટીમાં આવેલો પંચમહાલ જિલ્લો તેના ઉત્તર દિશામાં ૧૫૦૦ વર્ષ જૂના રજવાડા તરીકેનો ઐતિહાસિક વારસો ધરાવતો લુણાવાડા તાલુકો ૨૩ ઉત્તર અક્ષાંસ અને ૭૩ પૂર્વ રેખાંશ વચ્ચે પથરાયેલો છે. રાજપૂત યુગમાં લુણાવાડા સ્ટેટના મહારાજાશ્રી વિરભદ્વસિંહજીના તાબા હેઠળનો તાલુકો છે. આ તાલુકામાં ૨૩૬ ગામોનો સમાવેશ થાય છે. ૯૭ જેટલી ગ્રામ પંચાયત છે અને કુલ વસતિ વર્ષ ૨૦૦૧ મુજબ ૨૨૯૭૯૮ જેમાં ૧૧૮૮૭૬ પુરુષો અને ૧૧૦૯૨૧ સ્ત્રીઓ છે. તાલુકામાં ૧૦૯ ગામો જંગલ વિસ્તાર નજીક આવેલા છે. આ જંગલ વિસ્તાર ૧૦૭૦૩.૬૧ છે. લુણાવાડામાં આવેલા કુલ ૩૩૭૬ હેન્ડપંપોમાંથી ૩૧૭૪ હેન્ડપંપો ચાલુ હાલતમાં છે. જયારે કાયમી બંધ હેન્ડપંપોની સંખ્યા ૨૦૨ છે. આ હેન્ડપંપો આ વિસ્તારમાં સરકારી કેર સીટી, સરકારના એકશન પ્લાન અને સરકારની ખાસ અંગભૂત યોજનામાંથી પ્રજાજનોને આપવામાં આવેલા છે જેનો સફળ વહીવટ તાલુકા મથકેથી થાય છે.
ગુજરાત રાજય પાણી પૂરવઠા ખાતાની ગ્રામ્યકક્ષાએ લુણાવાડા તાલુકામાં વર્તમાન સમયમાં થઇ રહેલી કામગીરી અને વહીવટ તેમજ ભૂતકાળમાં થઇ ગયેલી તથા ભવિષ્યમાં થનારી કામગીરીના આયોજન રૂપે થનારી કામગીરી પ્રશંનિય છે. આ તાલુકાના ગામોમાં પીવાના પાણીના અછતના સમયમાં વર્ષ ૧૯૮૭ના ફેબ્રુઆરી મહિનામાં કામગીરી શરૂ કરવામાં આવી હતી. પાણી પૂરવઠા ખાતાની કચેરી તત્કાલીન સમયમાં અછતમાં ગણાતી હતી જે હાલમાં કાયમી ધોરણે બોર્ડના વહીવટ હેઠળ કામગીરી બજાવે છે. આમ, સૌપ્રથમ લુણાવાડા તાલુકામાં હેન્ડપંપની ઓફિસ એટલે કે, જાહેર આરોગ્ય યાંત્રિક પેટા વિભાગની કચેરી તરીકે કાર્યરત થઇ.
પાણી પૂરવઠા ખાતાની યુનિસેફ જેવી વિશ્વસ્તરીય સંસ્થાના સહકારથી પ્રચાર અને પ્રસારણ માધ્યમ દ્વારા જનજાગૃતિ લાવવાની સફળ કામગીરી અને વહીવટ લુણાવાડા તાલુકામાં થઇ રહી છે. આ કામગીરીમાં હેન્ડપંપ દ્વારા પ્રજાને પાણી પૂરુ પાડવાની કામગીરીનો મહત્વનો ફાળો છે. તાલુકાના ગામો અને જંગલ વિસ્તારમાં આવેલા ગામોમાં વસતિના આધારે જુદી-જુદી યોજના દ્વારા આયોજન મારફતે હેન્ડપંપ બેસાડવાની અને તેનો વહીવટ કરવાની કામગીરી કરવામાં આવે છે. હેન્ડપંપ માટે બોરવેલ જરુરી છે. બોરવેલ માટે સર્વેક્ષણ જરુરી છે. આવી બધી ટેકનીકલ પ્રક્રિયા કર્યા બાદ હેન્ડપંપ બેસાડવામાં આવે છે. સારી હાલતમાં હેન્ડપંપ બેસાડયા બાદ આ હેન્ડપંપ પ્રજાજનોને સોંપવામાં આવે છે. આ હેન્ડપંપનો ઉપયોગ પ્રજાજનો વિના સંકોચે કોઇપણ જાતના ભેદભાવ વગર ચોવિસ કલાક કરે છે. હેન્ડપંપ બગડી જાય તો એની જાણ જવાબદાર વ્યકિત દ્વારા હેન્ડપંપ ખાતાની કચેરીએ રુબરુું અથવા લેખિતમાં કરવામાં આવે છે. અથવા, ગ્રામપંચાયત કે તાલુકા પંચાયતમાં જાણ કરવામાં આવે છે. ફરિયાદની જાણ થતાં જ જાહેર આરોગ્ય યાંત્રિક પેટા વિભાગમાં જે તાલુકા મથકે આવેલું છે ત્યાંથી સમારકામ માટે તાત્કાલિક ટીમ પહોચે છે જે યુદ્ઘના ધોરણે સમારકામ કરે છે. આ ઉપરાંત આ ટીમ જળ સેવા તાલીમ સંસ્થા દ્વારા તાલીમ કેમ્પ યોજીને ગ્રામજનોને યોજનાબદ્ઘ તાલીમ પણ આપે છે.
ગ્રામીણ પાણી પૂરવઠા અને સુખાકારી યોજના સકારી સ્તરે બનાવી શકાય છે. પણ, આવી યોજનાઓ બન્યા પછી તેનો વહીવટ અને નિભાવ સ્થાનિક લાભાર્થીઓ કરે તો તેની વિશ્વનિયતા જળવાઇ રહે છે. આથી, ભારત સરકારે પણ આવી વ્યકિતગત યોજનાઓનો વહીવટ અને તેના નિભાવ માટેનો રસ્તો લાભાર્થીઓને સોંપવાનો અભિગમ અપનાવેલો છે.
સંકલન: કંચન કુંભારાણા
લેખક સંતરામપૂર આદિવાસી કોલેજ, સંતરામપૂરના અધ્યાપક છે.