ટકાઉ વિકાસ માટે જળ વ્યવસ્થાપન

Submitted by vinitrana on Sat, 11/15/2014 - 21:01
Source
યોજના, નવેમ્બર, 2013
કોઇપણ દેશના આર્થિક વિકાસની કક્ષા તે દેશમાં પ્રાપ્ત થતાં કુદરતી સંસાધનો ઉપર આધાર રાખે છે. જયાં આવા સંસાધનોની છત હોય ત્યાં આર્થિક વિકાસ ઝડપથી થાય છે અને અછત હોય ત્યાં આર્થિક વિકાસ અવરોધાય છે. કુદરતી સંસાધનોમાં જળનું મહત્વ વિશેષ છે. પાણી અને વાણી વિચારીને વાપરીએ જેવી ઉકિત પાણીનું મહત્વ સ્પષ્ટ કરે છે. સમગ્ર સૃષ્ટિના વિકાસને જોડતી કડી પાણી છે.

માત્ર વિકાસ જ નહી પણ અસ્તિત્વ ટકાવી રાખવા માટે પણ આપણી મૂળભૂત જરૂરિયાત એક માત્ર પાણી છે. જીવન માત્રના અસ્તિત્વ, વૃદ્ઘિ અને વિકાસ માટે પાણી અનિવાર્ય છે. સજીવ સૃષ્ટિની ઉત્પતિ પણ જળમાં જ થઇ હતી અને તેનો વિકાસ પણ મહદઅંશે જળમાં જ થયો હતો. માનવશરીરમાં પાણીનું પ્રમાણ ૬૫% જેટલું છે જે દર્શાવે છે કે, ખોરાક વિના કદાચ થોડા દિવસો જીવી શકાય પરંતુ પાણી વિના જીવવું અસંભવ છે.

પાણીનો મુખ્ય આધાર વરસાદ છે અને ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં થતાં વરસાદમાં તીવ્ર અસમાનતા છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધુ થાય છે અને કચ્છ તેમજ બનાસાકાંાઠા વિસ્તારમાં વરસાદ ઓછો પડે છે. વર્ષ ૨૦૧૨માં દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં સૌથી વધારે ૧૭૯૪ મીલીમીટર અને સૌથી ઓછો વરસાદ કચ્છમાં ૨૪૪ મીલીમીટર થયેલો છે.

અનિયમિત અને અસમાન વરસાદ ઉપરાંત રાજયમાં સિંચાઇનું પ્રમાણ ઊંચું છે જે પાણીની સમસ્યાને વિકટ બનાવે છે. ઉત્તર ગુજરાતમાં પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા વિસ્તારમાં અન્ય વિસ્તારનની તુલનામાં વસતિનું પ્રમાણ ઊંચું છે. રોજગારી માટે ખેતી સિવાયના અન્ય વિકલ્પો નોંધપાત્ર નથી આથી ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. આ વ્યવસાય સતત ત્યારે જ ચાલુ રહી શકે જયારે ગુણવત્તાયુકત પાણીનો વિપુલ પૂરવઠો ઉપલબ્ધ થયા કરે! વિરોધાભાસી સ્થિતિ એ છે કે ખેતી માટે જરૂરી સપાટી ઉપરનું પાણી બધા જ વિસ્તારમાં મળતું નથી કારણ કે ગુજરાતમાં બારમાસી એક પણ નદી નથી. કુલ વાવેતર વિસ્તારમાં નહેરો દ્વારા થતું સિંચાઇનું પ્રમાણ ઓછું છે. વર્ષ ૨૦૦૯-૨૦૧૦માં નહેરો દ્વારા સિંચિત વિસ્તારનો હિસ્સો ૨૦.૪૧%, કૂવા-પાતાળકૂવાનો હિસ્સો ૭૭.૦૩% અને અન્ય સ્રોતોનો વિસ્તાર ૨.૫૬% જેટલો હતો. આમ ઉત્તર ગુજરાતમાં કુલ વસતિની મોટાભાગની વસતિ ગ્રામિણ વિસ્તારમાં ખેતી ઉપર નભે છે પણ ખેતી માટે આવશ્યક એવા કુદરતી પાણીના સ્રોતો મર્યાદિત છે.

સમગ્ર ભારતમાં અનાજ અને ખેત પેદાશની અછત નિવારવા માટે નવી કૃષિ વ્યુહરચના અપનાવવા આવી તેથી બહુમખી પાક પદ્ઘતિ તથા બાહ્ય નિર્વિષ્ટો જેવા કે, રાસાયણિક ખાતર, જંતુનાસક દવાઓના વપરાશને પ્રોત્સાહન મળ્યું. આથી ખેતી ક્ષેત્રે પાણીની જરૂરિયાત વધતી ગઇ. ગુજરાત પણ ખેતી પ્રધાન રાજય છે જેથી ઘરવપરાશ, ઉદ્યોગો, પશુપાલનની તુલનામાં ખેતી માટે વધુ પાણીનો વપરાશ થાય તે સ્વભાવિક છે. આમ, પૂરવઠાની સાપેક્ષે માગ વધી જતા. પાણીની અછતની સમસ્યા પેદા થઇ છે.

ઉત્તર ગુજરાતમાં પાણીની અછત, વકરી રહેલી સમસ્યા:
ઉત્તર ગુજરાતમાં ૯૦% સિંચાઇ કૂવા/ટયુબવેલથી થાય છે. ભૂગર્ભજળનું પુષ્કળ પ્રમાણમાં ખેંચાણ થવાથી ભૂગર્ભ જળસપાટી ખૂબ જ ઊંડે ઊતરતી જાય છે. અહીં સુજલામ-સુફલામ્, ધરોઇ, દાંતિવાડા અને ખાસ તો સરદાર સરોવર યોજના દ્વારા પાણી પૂરવઠાની વ્યવસ્થા ઊભી કરવાના પ્રયાસો થયા છે. આના પરિણામે દુષ્કાળની પરિસ્થિતિમાં મહદઅંશે ઘટાડો થયો છે. પણ, પાનીની અછત ઉપર કાબૂ મેળવી શકાયો નથી. અછતની સ્થિતિ કામચલાઉ રીતે હલ થતી હોય તો પણ પાણીની લાંબાગાળાની સમસ્યા તો ઊભી જ છે. પાણીની સતત વધતી જતી માંગની સામે પાણી પૂરવઠાનું યોગ્ય આયોજન કરવામાં નહી આવે તો લાંબાગાળે ગંભીર જળસંકટ ઉદભવવાની શકયતા છે.

વર્ષ ૧૯૭૫માં ડો. જી. આર. નાંબિયારે ગુજરાતના જળસ્રોતો અંગે સંર્વાગી અને ઊંડો અભ્યાસ કરેલો તે સમયે અન્ય નિષ્ણાંતો અને સંસ્થાઓએ સાથે મળીને ચેતવણી ઉચ્ચારી હતી કે, પાણી બાબતે માંગ અને પૂરવઠાનું સમુતલન જળવાઇ રહે તેવું આયોજન નહીં કરવામાં આવે તો વર્ષ ૨૦૦ સુધીમાં અનેક વિસ્તારમાં ભૂગર્ભજળ ખલાસ થવાની શકયતા છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે પાણીની સમસ્યા ચર્ચાનો વિષય છે. આ સમસ્યા દૂર કરવા માટે સૌરાષ્ટ્રમાં પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે એ માટે ૧૧૫ નાના-મોટા બંધને ભરવાની જાહેરાત થઇ હતી જેના માટે વર્ષ ૨૦૧૩-૨૦૧૪ના રાજય બજેટમાં રૂપિયા ૧૦૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જોકે પાણીની તીવ્ર અછત ગંભીર સમસ્યાઓની જનક છે.

૧. જળસંચય, જળ વિતરણ અને જળનિયમનના આયોજનનો અભાવ ગુજરાતમાં જળસંકટનું કારણ છે.

૨. ઉત્તર ગુજરાતમાં જળસપાટી ઊંડી જવાથી અને વીજળીની અપૂરતી સવલતને કારણે ખેડૂતો પાકને સમયસર પાણી આપી શકતા નથી તેથી ઉત્પાદકતા ઘટી છે. પાકની ગુણવત્તા નબળી થઇ છે.

૩. ઉત્તર ગુજરાતમાં ભૂગર્ભ જળસપાટી ઊંડે જવાથી જળમાં ફલોરાઇડની માત્રા વધી છે જેને કારણે સાંધા અને દાંતના રોગો વધતા જાય છે. આ ઉપરાંત ખેતીમાં ક્ષારીકરણની સમસ્યા આકાર લઇ રહી છે.

૪. મહેસાણાથી વાપી સુધી ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત પાણી ટ્રીટમેન્ટ વગર છોડવાના કારણે કૂવા-બોરવેલના પાણી પ્રદૂષિત થયા છે.

૫. પાણીની અછતને કારણે પશુપાલકોની પરિસ્થિતિ વિકટ બની છે. ઘાસચારાની અછત રહે છે અને સીમાંત તથા ખેત મજૂરોની આર્થિક સ્થિતિ પ્રતિકૂળ બની રહી છે.

ગુજરાતના ગ્રામિણ વિકાસ માટે, ખૂબ જ લાંબાગાળાના ટકાઉ આર્થિક વિકાસ માટે એક આયોજન હોવું જરૂરી છે. ખેતીક્ષેત્રનો વિકાસ સિંચાઇને આભારી છે. આથી, ટકાઉ વિકાસના માનાંકો સફળ બનાવવા જળ વ્યવસ્થાપન કરવું ખૂબ જ જરૂરી છે.

ટકાઉ વિકાસના માનાંકો:

૧. કુદરતી સંસાધનો ટકી રહે.
પાણી કુદરતની અનમોલ ભેંટ છે. પાણી પ્રયોગશાળામાં બનાવી શકાતું નથી. કુદરતે પાણી અને જીવ ઉત્પતિના રહસ્યો પોતાની પાસે રાખ્યા છે. બધા જ પ્રાણીઓની તરસ છીપાવવાનું કાર્ય પાણી કરે છે તેથી જ જીવનનું નિમિત્ત હોવાથી જળ એ જ જીવન તરીકે કહેવાય છે. પાણી પૃથ્વીના સહયોગથી અનેક પ્રકારે વિભિન્ન જીવોની રક્ષા કરે છે. જો પાણી હશે તો જીવન શકય બનશે. પાણીના ઉદભવ, સંગ્રહ અને સ્રોતોને ટકાવી રાખવાથી કુદરતી સંસાધનો રક્ષિત રહેશે.

૨. ભવિષ્યની પેઢીને આપી શકાશે.
આપણે જો એ સ્વીકારીને ચાલીએ કે, કુદરતી સંપત્તિ આવનારી પેઢી માટે પણ છે તો તેનો ઉપયોગ વર્તમાન અને ભાવિ પેઢી વચ્ચે ન્યાયી વહેચણીથી થવો જોઇએ. કુદરતી સંપત્તિને એક મૂડી રૂપે જોઇએ તો તેનો લાભ આવનારી પેઢીને પણ મળવો જોઇએ. હાલમાં ઉત્તર ગુજરાતમાં ભૂગર્ભજળનો જથ્થો ખલાશ થઇ જાય તેમ છે. આ બાબતે એમ કહી શકાય કે વર્તમાન પેઢીએ આવનારી પેઢીનો અધિકાર છીનવી લીધો છે.

૩. પર્યાવરણનું રક્ષણ થાય.
ઉત્તર ગુજરાતમાં જંગલ કહી શકાય તેવો વિસ્તાર નહિવત છે. જંગલોના વિકાસ માટે પાણી અને જમીન અગત્યના છે. પાણીની કટોકટી જંગલ વિસ્તારના વિકાસ માટે બાધક છે. માનવજાતિએ કુદરતી સ્રોતો ઉપર કરેલા અતિક્રમણથી પર્યાવરણનું સંતુલન ખોરવાયું છે. આ સંતુલન ફરીથી પ્રસ્થાપિત થાય તો પર્યાવરણનું રક્ષણ થાય.

૪. માનવ સુખાકારી જળવાઇ રહે.
ટકાઉ વિકાસ એ આર્થિક પ્રવૃતિઓની પ્રક્રિયા છે, જેમાં પર્યાવરણની ગુણવત્તા યથાવત રાખવાની છે. આથી ટકાઉ વિકાસના ખ્યાલમાં નીતિવિષયક આદેશ ફલિત થાય છે કે, વર્તમાન અને ભવિષ્યની પેઢીને ચોખ્ખો લાભ મહત્તમ થવો જોઇએ શરત એ છે કે, કુદરતી સંસાધનોમાંથી પ્રાપ્ત સેવાઓ પરિણાત્મક રીતે તથા ગુણાત્મક રીતે જળવાઇ રહે.

ગુજરાતમાં વ્યાપક બની રહેલી જળ સમસ્યાના નિવારણ માટે તથા જળવ્યવસ્થા વડે ટકાઉ વિકાસ સિદ્ઘ કરવા, પર્યાવરણિય સમતુલાની જાળવણી કરવા માટે પાણીનો કરકસરભર્યો અને વૈજ્ઞાનિક ઢબે જળ વ્યવસ્થાપન કરવું જરૂરી છે. આ દિશામાં ગુજરાત સરકારે પ્રયત્નો કર્યા છે. ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે. આ યોજનાઓના અમલ થકી પણ જળ સમસ્યા સંપૂર્ણપણે દૂર કરી શકાઇ નથી. સરકાર દ્વારા નર્મદા યોજના, પાર નર્મદા લીંક કેનાલ યોજના અને કલ્પસર યોજના ઝડપથી પૂર્ણ કરવામાં આવે તો પાણીની સમસ્યામાં રાહત થાય.

સરકારી યોજનાઓ સિવાય સરકાર ભૂગર્ભજળ રિચાર્જના કાર્યક્રમો પણ અમલમાં છે. આમછતાં પણ જળની સમસ્યાઓ હળવી બની નથી. સમસ્યાઓને દૂર કરવા માટે નીચેના ઉપાયો હાથ ધરવા જોઇએ:

૧. પાણીનો સતત વપરાશ કરતાં ઉદ્યોગોને અપાતાં પરવાનામાં દૂષિત પાણીના શુદ્ઘિકરણની યોજના રજૂ કરનાર ઉદ્યોગોને જ માન્યતા આપવી જોઇએ.

૨. ઉત્તર ગુજરાતમાં ધરોઇ, દાંતિવાડા યોજનામાં પાણીની વહેચણી માટે પિયત મંડળીઓની રચના કરવામાં આવી છે તે સમગ્ર ગુજરાતમાં લાગુ કરવી જોઇએ.

૩. ગુજરાતમાં પાણીનો પૂરતો જથ્થો છે પણ તેની વહેચણી અસમાન છે. આથી સમાન વહેચણી માટે જળ વ્યવસ્થાન જરૂરી છે.

૪. પાણીની પૂરાંતવાળા વિસ્તારમાંથી પાણીના પ્રવાહને પાણીની ખાદ્યવાળા વિસ્તારમાં લઇ જવાય તો પાણીની અછતને નિવારી શકાય.

૫. મહિલા સ્વસહાય જૂથો ખાસ કરીને ડી.આર.ડી.એ. હેઠળ રચાયેલા સખીમંડળો કે જે મોટેભાગે સબસીડી યુકત ધિરાણ મેળવે છે તેને પાણીની બચત માટેના પ્રોજેકટ આપવા જોઇએ. આમ કરવાથી ગ્રામિણ ક્ષેત્રે પાણીની અછતની તીવ્રતા દૂર કરવામાં તેઓ આગવી ભૂમિકા ભજવી શકે તેમ છે.

ઇન્ટરનેશનલ વોટર મેનેજમેન્ટ ઇન્સ્ટીટયુટ તથા ઇન્સ્ટીટયુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ દ્વારા ઉત્તર ગુજરાતના ટકાઉ આયોજન માટે જળસંચય, કરકસરયુકત વપરાશ, પાણીનો વધુ કાર્યક્ષમ ઉપયોગ, લોકજાગૃતિ અને લોકસહયોગ, જળ આચારસંહિતા, જળવિતરણ, નિયંત્રણ, નિયમન, સંશોધન, મૂંલ્યાંકન, આયોજન તથા નાણાકિય અને ટેકનોલોજિ સંદર્ભે વિવિધ કક્ષાએ ટીમો રચવાની દરખાસ્તો કરી છે જે ટકાઉ જળ વ્યવસ્થાપનમાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે તેમ છે. કુદરતી સંસાધનોની અમૂલ્ય ભેંટ આપણને મળી છે તેનું જતન અને સતત સંવર્ધન કરવું એ આપણી ફરજ છે.

લેખિક: સવિતા દેસાઇ

લેખિકા અર્થશાસ્ત્ર વિભાગ આર્ટસ્ એન્ડ કોમર્સ કોલેજ, ઇડરમાં વ્યાખ્યતા છે.

સંકલન: કંચન કુંભારાણા