Source
યોજના, નવેમ્બર, 2013
ભારતના આર્થિક અને સામાજિક વિકાસ માટે જળ સંસાધનનો વિકાસ તથા સંચાલન માળખાકિય સુવિધાઓ-બહુહેતુ યોજના, નહેરો, નાના ચેકડેમ, કૂવાઓ, પંપસેટ ખેત તલાવડી, ભૂગર્ભજળ રિચાર્જ દ્વારા થાય છે જેનો પ્રત્યક્ષ અને પરોક્ષ લાભ લોકોને મળતો રહે છે. કૃષિ ક્ષેત્રે સિંચાઇની સવલતોથી લોકોને રોજગારી મળે છે અને જીવનશૈલી સારી પ્રાપ્ત થાય છે. વર્ષ ૨૦૦૧માં વિદ્યુત ઉત્પાદનમાં જળ વિદ્યુતનો ફાળો ૧૫% હતો. જળ સંસાધનના યોગ્ય સંચાલનથી ગામડાઓ અને શહેરોમાં આર્થિક સાહસો, ઓદ્યોગિક એકમો સ્થાપિત થવાથી રોજગારીની તકો ઊભી થાય છે.
કોઇપણ રાષ્ટ્રના કુદરતી સાધનો તે રાષ્ટ્રનો મૂળભૂત પાયો છે. આ કુદરતી સાધનો ઉપર સમગ્ર રાષ્ટ્રની અર્થરચના અવલંબે છે. બીજા શબ્દોમાં કહીએ તો વિશ્વના કોઇપણ રાષ્ટ્ર, રાજય કે પ્રદેશના ટકાઉ આર્થિક વિકાસ માટે કુદરતી સાધનો ખૂબ જ આવશ્યક અને અનિવાર્ય છે. ઉપયોગી કુદરતી સંસાધનોની અછતથી આર્થિક વિકાસ મંદ પડી જાય છે.આ કુદરતી સંસાધનો એવા હોય છે કે જેના ઉપર દેશ કે રાજયનો અંકુશ હોતો નથી. કેટલાક સંસાધનો એવા હોય છે કે, જેનો પૂરવઠો અમુક સમયબિંદુ સુધી મર્યાદિત હોય છે. આથી, માનવ સમુદાયે તેનો ઉપયોગ સમજી-વિચારીને કરવો જોઇએ.કેટલાક સંસાધનો એવા હોય છે જે પુન:પ્રાપ્ય હોય છે. ઉદાહરણ તરીકે જંગલ, હવા, પાણી વગેરે. હવા પછી પાણી એ જીવન ટકાવવા માટે મહત્વની જરૂરિયાત છે. પૃથ્વી અને પૃથ્વી ઉપર વનસ્પતિ, પશુઓ તેમજ માનવ સમુદાય માટે પાણી પીવા માટે, સફાઇ માટે, સિંચાઇ માટે અને ઉદ્યોગો ચલાવવા માટે જરૂરી છે. સદનસીબે આ મૂલ્યવાન સ્રોતની બાબતમાં ભારતીય લોકો સમૃદ્ઘ છે પણ કમનસીબે તેનો ઉપયોગ અને સંચય યોગ્ય રીતે થતો નથી. આમ થવાથી દેશના લોકોને વર્ષ દરમિયાન પાણી પૂરતા પ્રમાણમાં મળી શકતું નથી. ભારતમાં વાર્ષિક સરેરાશ વરસાદ ૪૦ ઇંચ થાય છે. રાજસ્થાન અને લડાખ જેવા વિસ્તારમાં ઓછો વરસાદ થાય છે. જયારે વિશ્વમાં યમનમાં સૌથી ઓછા જળસ્રોતો છે.
જળ સંસાધન અને કૃષિ વિકાસ:
કૃષિ માનવીની પોષણની જરૂરિયાતો અનાજ, શાકભાજી, કઠોળ, વગેરે પૂરુ પાડવામાં અગત્યનો ભાગ ભજવે છે. આ ઉપરાંત કૃષિક્ષેત્ર કેટલાક ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે. કૃષિ એ ભારતિય અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે.ગુજરાતમાં એક લોકોકિત છે-ખેડ, ખાતર ને પાણી, નસીબને લાવે તાણી. ભારત જેવા વિકસતા દેશ માટે કૃષિ એક એન્જિન સમાન છે. કૃષિનો આધાર જળસ્રોતના યોગ્ય સંચાલન ઉપર છે. જળસ્રોતના યોગ્ય સંચાલન થકી વધુ જમીનને સિંચિત કરી શકાય છે.
આ ઉપરાંત અલ્પ કે અતિવરસાદના સમયે સર્જાતી દુષ્કાળ અને પૂરપ્રકોપ જેવી મુશ્કેલીઓનો સામનો- કરીને પણ કૃષિને જીવંત રાખી શકાય છે. જળ વપરાશ અંગે વાત કરીએ તો, અમેરિકામાં લોકો દિવસના ૧૦૦૦ લિટર પાણી વાપરે છે. યુરોપના લોકો ૫૭૨ લિટર પાણી વાપરે છે. આંતરાષ્ટ્રિય ધોરણ પ્રમાણે પાંચ વ્યકિતના એક કુટુંબને ઓછામાં ઓછું ૧૦૦ લિટર પાણી પ્રતિ દિવસ જોઇએ. પાણીની ગરીબી રેખા દોરવી મુશ્કેલ છે કારણ કે, જુદા-જુદા વિસ્તારોનું ભૌગોલિક વાતાવરણ અલગ-અલગ છે. ઉત્તર કેન્યાના લોકોને લંડન અને પેરિસના લોકો કરતાં વધુ પીવાનું પાણી જોઇએ. માનવ વિકાસ અહેવાલ-૨૦૦૬ પ્રમાણે પાણીની ગરીબીવાળા દેશોમાં બાંગ્લાદેશ, કેન્યા, ઘાના, નાઇઝીરીયા, બુરકાનીફાસો, નાઇઝર, અંગોલા, કંબોડીયા, ઇથોપીયા, હૈતી, રુવાન્ડા, યુગાન્ડા અને મોઝામ્બિક છે. આવા દેશો પોતાના બજેટમાં લશ્કર કરતાં જળ સંસાધન પાછળ ઓછો ખર્ચ કરે છે.
ભારતમાં જળસ્રોતોની ઉપલબ્ધી અને વપરાશ:
ભારતમાં ઉપયોગી જળસ્રોતોની સપાટીનો અંદાજ ૬૯૦ બિલિયન કયુબિક મીટર છે જેમાં વાર્ષિક દર વર્ષે ૪૩૨ કયુબિક મીટર ભૂગર્ભજળનો પુન: ઉમેરો થાય છે. આમ, દેશમાં કુલ વપરાશ અંદાજે ૧૧૨૨ બિલિયન કયુબિક મીટર થાય છે.(ભારત સરકાર વર્ષ-૨૦૦૧). વર્ષ ૧૯૯૦માં દેશમાં કુલ વપરાશ ૫૫૨ બિલિયન કયુબિક મીટર હતો, જેમાંથી ૪૬૦ બિલિયન કયુબિક મીટર એટલે કે, ૮૩.૫% કૃષિક્ષેત્રે વપરાયો હતો. ૨૫ બિીલયન કયુબિક મીટર(૪.૫%) ઘરવપરાશ, ૬૭ બિલિયન કયુબિક મીટર(૧૨%) ઉદ્યોગ અને થર્મલ પાવર ક્ષેત્રે વપરાયો હતો. વર્ષ ૨૦૦૦માં જળ વપરાશ ૬૩૦ બિલિયન કયુબિક મીટર થયો હતો. વસતિવધારો અને શહેરીકરણને કારણે આ વધારો થવા પામ્યો હતો.
ભારતમાં જળ સંસાધન ક્ષેત્રે થયેલો ખર્ચ:
જળ સંસાધન ક્ષેત્રે જાહેર તેમજ પૂરક રીતે ખાનગી ક્ષેત્ર પણ કૂવા, ટયુબવેલ જેવા સાધનો ઉપર ખર્ચ કરે છે. ભારતમાં વિવિધ પંચવર્ષિય યોજનામાં સિંચાઇ ક્ષેત્રે થયેલા ખર્ચની વિગતો જોઇએ તો, સરકારના ખર્ચમાં અર્થપૂર્ણ રીતે વર્ષ ૧૯૭૦ પછી ઘટાડો આવ્યો છે. આ ઘટાડો થવા છતાં સમગ્ર એશિયાના દેશોમાં ભારત કૃષિક્ષેત્રે સિંચાઇના ક્ષેત્રે સૌથી વધારે ખર્ચ કરનાર દેશ છે. દશમી પંચવર્ષિય યોજનામાં(વર્ષ ૨૦૦૧-૦૨ ની કિંમતે) કુલ ખર્ચ રૂપિયા ૧૬૧૮૪૬૦/- કરોડ હતો. આમાંથી સિંચાઇ અને પૂર નિયંત્રણ માટે રૂપિયા ૧૧૨૪૧૫/- કરોડ ખર્ચ હતો જે કુલ ખર્ચના ૬.૯% જેટલો થાય છે. અગિયારમી પંચવર્ષિય યોજનામાં કુલ ખર્ચ રૂપિયા ૩૬૪૪૭૧૦/- કરોડ અંદાજવામાં આવેલું હતું. આમાં સિંચાઇ અને પૂર નિયંત્રણ માટે રૂપિયા ૨૧૦૩૨૬/- કરોડ ફાળવવામાં આવ્યા હતા.(૫.૮%). આ રીતે કેન્દ્ર સરકાર સિંચાઇ જેવી બાબતોના ખર્ચમાં ઘટાડો કરી રહી છે જે ઇચ્છનિય નથી.
સિંચાઇનો વિકાસ અને તેની અસરો:
ભારતમાં કૃષિક્ષેત્રે સૌથી વધારે જળ સંસાધનો વાપરવામાં આવે છે. કૃષિક્ષેત્રનો કાચી ગૃહ પેદાશોમાં ૧૩.૯% જેટલો ભાગ છે અને તે દેશના ૫૨% લોકોને રોજગારી પૂરી પાડે છે. સિંચાઇને કારણે દેશમાં હરિયાળી ક્રાંતિ થઇ છે. સિંચાઇને કારણે દેશના કૃષિ ઉત્પાદનોમાં ૫૫% જેટલી વૃદ્ઘિ થઇ છે. આમ થવાથી રોજગારી સર્જન, અનાજની સલામતિ અને ગરીબીમાં ઘટાડો થયો છે. સિંચાઇની સવલતોમાં વૃદ્ઘિ થવાથી ગરીબી અને નિર્બળતા ઘટશે. સિંચાઇમા ંવૃદ્ઘિ થવાથી અર્થતંત્રમાં ઉદભવતી ચાવીરુપ અસરો આ પ્રમાણે છે :
૧. ઉત્પાદન: પાકના ઉત્પાદનમાં, પાક હેઠળના વિસ્તારોમાં, પાકની ઘનિષ્ટતામાં તેમજ પાક વૈવિધ્યમાં વધારો થાય છે.૨. આવક અને વપરાશ: પાક ઉત્પાદનમાં વૃદ્ઘિ થવાથી ખેડૂતોની આવકમાં વધારો થાય છે. કુટુંબની અનામત વપરાશમાં વધારો તેમજ કૃષિ પેદાશોની આવકમાં સ્થિરતા અને ખાદ્ય પેદાશોના ભાવમાં ઘટાડો થાય છે.૩. રોજગારી: કૃષિ ક્ષેત્રે રોજગારીની તકો તેમજ આનુષાંગિક ક્ષેત્રોમાં રોજગારીની તકોમાં વધારો થાય છે. રોજગારીમાં સ્થિરતા આવે છે. પરિણામે, ગ્રામિણ ક્ષેત્રે વેતન દરોમાં વધારો જોવા મળે છે.૪. અન્ન સલામતિ: યોગ્ય સિંચાઇની સવલતોને કારણે પાકની નિષ્ફળતાનું પ્રમાણ ઘટે છે. ઉત્પાદન વધે છે. ઉત્પાદનમાં વધારો થવાથી વપરાશમાં સ્થિરતા આવે છે.૫. અન્ય અસરો: ઉત્પાદન વધવાથી ખેડૂતોના દેવાનું પ્રમાણ ઘટે છે. સિંચાઇની સગવડો વધવાથી ગ્રામિણ ક્ષેત્રે સ્વાસ્થ્ય અને શિક્ષણ માટેના સાધનોની ફાળવણીનું પ્રમાણ વધે છે. પાયાની સુવિધાઓમાં વધારો થાય છે.
જળ સંરક્ષણ માટે મહત્વના ઉપાયો:
૧. પાણીની કિંમત અને વિતરણ નીતિ:જો પાણી પૂરવઠા વિતરણ બાબતે મીટરો લગાવવામાં આવેલા ન હોય અને વપરાશકર્તાએ નક્કી કરેલી કિંમત ચૂકવવાની હોય તો પાણીનો બગાડ વધશે. આથી મીટર પદ્ઘતિ અપનાવેલી હોય તો પાણીનો સાવચેતીપર્વિક ઉપયોગ થશે અને બગાડ અટકશે.૨. પાણીનું રિચાર્જ કરવું:પાણીનો સંગ્રહ કરી શકાય તેવા તળાવો અને નાના-મોટા બંધો બાંધવા જોઇએ. વનીકરણ કરવું જેથી વધુ વરસાદ મળી શકે.
લેખક: ભીમસિંહ હડિયોલ
(લેખક બોટાદકર, આર્ટસ/કોમર્સ કોલેજ, બોટાદમાં આસિ. પ્રોફેસર છે.)
સંકલન: કંચન કુંભારાણા