રાજ્ય સરકારે રાજ્યમાં શહેરી વિકાસ માટે સાત નગર નિગમો, બાર શહેરી વિકાસ અધિકારીઓ, બે ક્ષેત્ર વિકાસ અધિકારીઓ અને નિર્દિષ્ટ ક્ષેત્ર વિકાસ અધિકારોના રૂપમાં ૧૫૯ નગર પાલિકાઓની રચના કરેલી છે. નગર યોજના અને મૂલ્યાંકન, નગર પાલિકાઓના નિર્દેશક વિભાગ, ગુજરાત નગર વિત્તબોર્ડ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ગુજરાતના શહેરી વિકાસ સત્તા મંડળ વગેરે શહેરી આવાસ વિભાગને આધિન કામ કરે છે. ગુજરાત 'ઔદ્યોગિક પાવર હાઉસ' અને રાજ્યમાં જિલ્લા સ્તરે પણ વિકાસનો ટ્રેક રેકોર્ડ જિલ્લા શહેરી વિકાસ એજન્સીઓ (ડીયુડીએ) ની સાથે સ્થાપિત કરવામાં આવેલી છે.
રાજયના વિવિધ ખાતાઓમાંથી શહેરી વિકાસ ખાતું શહેરના વિકાસ માટે વિવિધ આયોજન બનાવે છે અને જે-તે શહેરનું તંત્ર એ આયોજનને આધિન શહેરના વિકાસના કાર્યો કરે છે. નગર આયોજન પણ આવા વિકાસના કાર્યોનો જ એક ભાગ છે. વિકાસના કાર્યો કરતી વખતે કેટલીક સંવેદનશીલ બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો એ વિકાસના કાર્યો વિકાસ ન રહેતા વિનાશના કાર્યો થઇ શકે તેમ છે. નગર આયોજન કરતી વખતે નગરમાં રહેતા લોકો માટે પાણીનું આયોજન ન કરવામાં આવે તો નગર આયોજન નિષ્ફળ જઇ શકે ! મહારાષ્ટ્રમાં નગર આયોજની પ્રક્રિયા ચાલી રહ્યી હતી ત્યારે સ્ટેટ વોટ રિસોર્સ મેનેજમેન્ટના સભ્યોની નિમણુક કરવામાં હદ બહારની ઢીલ થઇ હતી. વર્ષ ૨૦૧૧માં અધ્યક્ષ નિવૃત થયા પછી નવી નિમણુક કરવામાં જ આવી ન હતી. પરિણામ એ આવ્યું કે, મહારાષ્ટ્રના કેટલાક શહેરો માટે પાણી અંગેનું આયોજન આકાર જ લઇ શકયું નહી. આવી પરિસ્થિતિમાં મહારાષ્ટ્રના કેટલાક શહેરો આજે પણ પાણી બાબતે પરેશાન છે.
ક્ષતિગ્રસ્ત શહેરીકરણની પ્રક્રિયાના અતિ માઠાં પરિણામ હવે જોવા મળી રહ્યાં છે. શહેરોમાં પાણીની તંગી, કચરો, ગંદકી, અસ્વચ્છતા અને ગંદા પાણીના નિકાલની અવ્યવસ્થા જેવા પ્રશ્નો ઊભા થયા છે. આથી આયોજન, જીવનશૈલી અને પ્રવર્તમાન આર્થિક બાબતો-આ તમામની સામે એક પડકાર ઊભો થયો છે, પરંતુ છેલ્લાં ૫૦ વર્ષના ખોટા અગ્રતાક્રમ બાબતે કોઈએ હજુ ફેરવિચારણા કરી નથી. શહેરીકરણને કારણે વિદેશી ટેક્નોલોજી અને વિદેશી કંપનીઓને ફાયદો થાય તેવું વાતાવરણ છે. દરેક વ્યક્તિ તે જાણે છે. છતાં કંઇ જ ફેરફાર થતો નથી. ભારત જેવા દેશમાં શહેરોને માળખાકીય સગવડતા પૂરી પાડવા અબજો રૂપિયાનું રોકાણ કરવું પડે તેવું છે, જે હવે પોસાય તેવું રહ્યું નથી.
માત્ર કરવેરા વધારીને તમામ પ્રશ્નોનો ઉકેલ લાવી શકાય તેમ નથી. ફરીથી વિકેન્દ્રિત વ્યવસ્થા તરફ જવાની જરૂર છે. નાના કસબા, ગામ/નાના શહેરો માટે ટ્રાન્સપોર્ટ, રોડ, રસ્તા, કચરાનો નિકાલ, પાણી, ગંદા પાણીનો નિકાલ, કાયદો- વ્યવસ્થા, આવા અનેક પ્રÅનોનો ઉકેલ આવી શકે. બાકી હાલમાં જે કંઈ થઈ રહ્યું છે તે કાયમી ઉકેલ નથી. પ્રજાને હવે કોઈ જ વિવેચનમાં રસ નથી. તેમને કાયમી ઉકેલ જોઈએ છે, કારણ કે છેલ્લાં ૫૦ વર્ષથી કરવેરા ભરવામાં કોઈ કમી રાખવામાં આવી નથી. છતાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવી શક્યો નથી. મોટાં શહેરોમાં જ્યાં બોલકા લોકોની બહુમતી છે તેમની વાત સાંભળવામાં આવે છે. નાના શહેરોની વાત બહેરા કાને અથડાઈ રહી છે.
ધરતીકંપ, આગ, અકસ્માત અને બીજી કુદરતી આપત્તિ વખતે માત્ર નાના શહેરો જ બચી શકવાના છે. બાકી ઉંચી ઈમારત કે જેમાં લોખંડ અને સિમેન્ટના સ્ટ્રક્ચર છે તેમના દ્વારા ભારે ખાનાખરાબી થાય છે. ધરતીકંપ જેવી ઘટના વારંવાર બની રહી છે. એક સમયે તો સદીમાં એક ધરતીકંપની ઘટના બનતી હતી, જ્યારે આજે દર વર્ષે બને છે.
મુંબઈ જેવા મહાનગરમાં તો આજે માત્ર ટાવર જ બને છે. તેમાં આગ, અકસ્માત અને ધરતીકંપ વખતે બચાવ માટેની વ્યવસ્થા કેવી છે? આ તમામ બાબતો એક રીતે વિશ્લેષણને પાત્ર છે. એટલું જ નહીં, જે ભૂલ થઈ છે તેમાં સુધારણા પ્રક્રિયા થવી જોઈએ. જો પ્રત્યેક શહેરની વસતિ લાખો અને કરોડોમાં હોય અને સમગ્ર ભારતની કુલ જનસંખ્યાના ૫૦ ટકા જો શહેરોમાં રહેતા હોય તો જોખમનું પ્રમાણ- અનિશ્ચિતતા વગેરેનું પ્રમાણ ૫૦ ટકા થવા જાય છે. આગ, અકસ્માત, ધરતીકંપ વખતે તેટલા પ્રમાણમાં સારવાર કે રાહત માટેની વ્યવસ્થા છે ખરી ? આ પ્રશ્નનો ઉત્તર સંતોષકારક રીતે મળતો નથી. મોટાં શહેરોમાં કાયદો-વ્યવસ્થાના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. જમીન, પાણી, રેતી અને એવી જ બાબતોના માફિયા ઊભા થયા છે. કોઈ એક વ્યક્તિ સંચાલન ન કરી શકે તેવી પ્રવર્તમાન આર્થિક, સામાજિક વ્યવસ્થા એવી છે જે પતન તરફ લઈ જાય છે, પરંતુ સુધારણા માટેની ભૂમિકા તૈયાર થઈ શકતી નથી. તે એક રીતે અણઆવડત છે.
ઉપલી કક્ષાએથી થતું આયોજન પ્રજા પર થોપવામાં આવ્યું છે તેને બદલાવવાની જરૂર છે. ભૂલની પરંપરા ચાલી રહી છે, એટલું જ નહીં, ભૂલ થઈ છે તેટલું સ્વીકારવાની પણ તૈયારી નથી. રાષ્ટ્રની ૧૨૪ કરોડની પ્રજા સામે એક ખતરો છે તેને ઓળખીને બચાવાત્મક પગલાં લેવાની શરૂઆત થવી જોઈએ.
વિનીત કુંભારાણા