પર્યાવરણ અને એજન્ડા - ૨૧ (પૃથ્વી શિખર સંમેલન)

Submitted by vinitrana on Wed, 11/19/2014 - 06:59
Source
યોજના જુલાઈ-૨૦૧૩
૨૧ મી સદીમાં પૃથ્વી કેવી હોવી જોઇએ ? પર્યાવરણ જળવાઇ રહે અને સંસાધનોનો નાશ નહીં, પરંતુ પુનઃનિર્માણ થતું રહે તે રીતે વિકાસ ક્રમ સાધવો આ માટેનો સહિયારો કાર્યક્રમ એટલે એજન્ડા - ૨૧. આ એજન્ડામાં પર્યાવરણ અને ચિંતનનો સમન્વય કરવામાં આવ્યો છે. કુદરતને જીતીને માનવી વિકાસ કરી શકશે તેવું ચિંતન હવે ખોટુ ઠરતુ જણાય છે, આથી કુદરતના સંશાધનોનું સંવર્ધન કરીને વિકાસ સાધવાનું નવું દર્શન એટલે એજન્ડા - ૨૧
સમગ્ર માનવજાતિના વિકાસ માટે દરેક માણસને શ્વાસ માટે પ્રદુષણ મુક્ત હવા, પાણી અને ખોરાકની જરૂરિયાત હાય છે અને આ વાતાવરણ દરેક બાળકને માતાના ગર્ભમાંથી મળવું જોઇએ. સમગ્ર માનવજાતના સ્વચ્છ વિકાસ માટે ઉપરના તમામ તત્વો મળતાં હોવા જોઇએ. તેની ગેરહાજરીમાં માનવજાતનો પૂર્ણ વિકાસ થઇ શકતો નથી. પર્યાવરણ સુરક્ષા માટે માનવજાતે ઘણી બેદરકારી સેવી છે. હિરોશીમા અને નાગાશાકી શહેરો પર અમેરીકાએ ફેંકેલા અણુબોમ્બથી હજારો નિર્દોષ માનવીઓનો ભોગ લેવાયો. તેનાથી ફેલાયેલ અસરોને પરિણામે હજારો બાળકો અપંગ જન્મ્યા. ભોપાલ ગેસ દુર્ઘટનાની અસરો આજે પણ આપણે ભોગવી રહ્યા છીએ. જો કોઇ દેશ વિશ્વના વાતાવરણ કે જલાવરણને દૂષિત કરેલતો તેનાથી ઘણા દેશોને અસર થતી હોય છે. ઓઝોન વાતાવરણમાં છિદ્ર, એસિડવર્ષા, સમુદ્રનું પ્રદૂષણ, જળસૃષ્ટિનો વિનાશ, વૃક્ષછેદન વગેરે પર્યાવરણની આંતરરાષ્ટ્રીય સમસ્યા છે.

દરેક દેશે પોતાની ભૌગોલિક સીમામાં થતી પ્રવૃતિથી અન્ય દેશમાં પ્રદુષણ ન થાય તે જોવાની દરેક દેશની ફરજ છે. “દરેક વ્યક્તિ કે રાજ્યે પોતાના અધિકારનો ઉપયોગ, બીજી વ્યક્તિ કે રાજ્યના અધિકારોને હાનિ પહોંચે તે રીતે ન કરવો જોઇએ” એવો આંતરરાષ્ટ્રિય કાયદાનો પાયાનો સિધ્ધાંત છે. સૌ પ્રથમ આ ટ્રાયલ સ્મેલ્ટર આર્બિટ્રેશન કેસ (૧૯૪૧) અને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે કોરકુ ચેનલ કેસ (૧૯૪૯) માં સ્વીકાર્યો હતો. આજે તે યુનાઇટેડ નેશન્સના ખતપત્રમાં પણ સામેલ થયો છે.(આર્ટિકલ - ૭૪).

પૃથ્વી શિખર પરિષદ - (એજન્ડા - ૨૧) નો અર્થ :
૨૧ મી સદીમાં પૃથ્વી કેવી હોવીજોઇએ ? પર્યાવરણ જળવાઇ રહે અને સંસાધનોનો નાશ નહીં, પરંતુ પુનઃનિર્માણ થતું રહે તે રીતે વિકાસ ક્રમ સાધવો આ માટેનો સહિયારો કાર્યક્રમ એટલે એજન્ડા - ૨૧. આ એજન્ડામાં પર્યાવરણ અને ચિંતનનો સમન્વય કરવામાં આવ્યો છે. કુદરતને જીતીને માનવી વિકાસ કરી શકશે તેવું ચિંતન હવે ખોટુ ઠરતુ જણાય છે, આથી કુદરતના સંશાધનોનું સંવર્ધન કરીને વિકાસ સાધવાનું નવું દર્શન એટલે એજન્ડા - ૨૧.

એજન્ડા - ૨૧ નો ઇતિહાસ :
પૃથ્વી સંમેલન બોલાવવાનો અને તેને સફળ બનાવવાનો યશ સંયુક્ત રાષ્ટ્રસંઘને ફાળે જાય છે. ૧૯૫૪ માં મોન્ટ્રીયલમાં મળેલી બેઠકમાં ઓઝોન પડમાં ગાબડુ પડી રહયું છે અને તેને ૩ વર્ષમાં નિયંત્રીત કરવાનું ઠરાવવામાં આવ્યુ હતું. ૧૯૮૯મા બ્રઝિલમાં મળેલી બેઠકમાં ઓઝોનને નુકશાન કરનારા નિર્ણય અંગે કોઇ નકકર પરિણામ આવ્યુ ન હતુ. તેથી આ સંમેલનમાં આબોહવા કમ પરિવર્તનનો તેમજ જૈવિક વિવિધતાના પ્રશ્નોની તેમજ પર્યાવરણ પૃથ્વી સંરક્ષણની દ્રષ્ટીએ હાથ ધરનારી સહીયારી વ્યુહાત્મક નીતિઓ સંદર્ભમાં ચર્ચા વિચારણા થઇ હતી. ૧૯૮૦ માં યુનોની મહાસમિતીમાં જ્યારે Brantland Commision ની દુનિયાના દેશના વિકાસ અંગે લેવાતા પગલા અંગેની ચર્ચા ચાલતી હતી ત્યારે પૃથ્વી પર ગરીબી અને પર્યાવરણ સંકટ ઉતરોતર વધુ ને વધુ ખરનાક બની રહેવાનું. આના પરિણામે વિકાસ અને પર્યાવરણના પ્રશ્નોનો સુમેળભર ઉકેલ લાવવાનો યુનોએ Human Environment અંગે સ્ટોકહોમમાં મળેલી સર્વ પ્રથમ પરિષદ યોજવાનો નિર્ણય લીધો હતો.વધતી જતી ગરીબી, ભૂખમરો, અસમાનતા જેવા દૂષણો વિશે વિશ્વ આરોગ્ય સંસ્થા ચિંતિત છે. પર્યાવરણના બગાડ માટે જવાબદાર ઓઝોન વાયુ સ્ત્રોતનો ઘટાડો, ઋતુઓના ફેરફાર, જમીન ધોવાણ, જંગલોનો નાશ, જૈવિક અસમતુલન વિગેરે પ્રશ્નો અંગે ભવિષ્યનો વિચાર કરવા વિશ્વ આરોગ્ય સંસ્થાએ બોલાવેલ કોન્ફરન્સમાં જે નિર્ણયો લેવાયા છે તે એજન્ડા - ૨૧ ના નામે પ્રસિધ્ધ થાય છે. એજન્ડા - ૨૧ માં ૧૯૯૦ ના દાયકાથી માંડીને ૨૧ મી સદીના પર્યાવરણ પ્રદુષણને અટકાવીને પર્યાવરણને અનુરૂપ સમૃધ્ધ વિકાસસાધવાનો વિચાર કરવામાં આવ્યો આ એજન્ડા ૪૦ પ્રકરણો અને ૬૦૦ પાનાનો છે.

એજન્ડા ૨૧ ના હેતુઓ :
૧. પર્યાવરણની સમજુતી : માનવ જે પ્રદેશમાં નિવાસ કરે છે તે પ્રદેશની ભૂમિ જળાશયો, જીવસૃષ્ટિ તેમજ વાતાવરણના ઉંચે સુધી વિસ્તરીત આવરણને પર્યાવરણના અંગભૂત ઘટકો કહીએ છીએ. પર્યવરણમાં મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ ત્રણ પાયાના આવરણો ઉપરાંત જૈવિક આવરણ મહત્વનું આવરણ છે. જેમાં માનવ, પ્રાણીસૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિનો સમાવેશ થાય છે.

મૃદાવરણમાં ભૂમિ આકારનો સમાવેશ થાય છે. જલાવરણમાં જળ સ્વરૂપોનો સમાવેશ થાય છે. વાતાવરણમાં હવા, સૂર્ય, વાયુ વિગેરેનો સમાવેશ થાય છે. જૈવિક પર્યાવરણના વિવિધ પ્રાણીઓ, પક્ષીસૃષ્ટિ અને વનસ્પતિસૃષ્ટિનો અને માનવસૃષ્ટિનો સમાવેશ થાય છે.

પર્યાવરણનો પ્રભાવ માનવ સહિત સમગ્ર જીવસૃષ્ટિ પર પડતો હોય છે. માનવજીવનનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રભાવ પાડનાર પર્યાવરણ એક વિશિષ્ટ અનોખુ કુદરતી આવરણ છે.

એજન્ડા ૨૧ દ્વારા આજના બગડતા જતા પર્યાવરણ અને વિકાસ માટે જાગૃતિ આવે તેવા પ્રયત્નો કરવામાં આવે છે. આજે વિશ્વમાં પર્યાવરણ માટેની જાગૃતિ આવી છે.

૨. આર્થિક સમૃધ્ધિ : “કલબ ઓફ રોમ” ના નામેજાણીતા થયેલા સમૂહના તારણ મૂજબ જો પર્યાવરણ બચાવવું હોય તો વિશ્વએ આર્થિક વૃધ્ધિને સંપૂર્ણપણે રોકી દેવી જોઇએ. કેટલાક વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે પર્યાવરણના વિનાશ થવાથી અનેક અણુબોમ્બ ફોડયા હોય તેની સામૂહિક વિધ્વંસક અસર પડશે. બ્રુટલેન્ડ કમિશનના અહેવાલમાં ટકાઉ વિકાસશબ્દ આર્થિક વિકાસ અંગે મળ્યો. વધુ વિકાસ એટલે પર્યાવરણને વધુ વિનાશ એવું સમીકરણ યોગ્ય ન લાગ્યું પણ લોક જાગૃતિ દ્વારા પર્યાવરણ સુધારવાના પ્રયાસો થઇ શકે અને લોકોને પર્યાવરણના ભોગે આર્થિક સમૃધ્ધિ અને વિકાસ સાધવા કરતા તેને સાથે રાખીને ચાલવું પડે. આજે તેણે આર્થિક સમૃધ્ધિ તો મેળવી છે પરંતુ કુદરતી સમૃધ્ધિ આપણા હાથમાંથી છૂટતી જાય છે. ભવિષ્યની પેઢી માટે આ કુદરતી સમૃધ્ધિ બચાવવા માટે આપણે જાગૃત થઇને પ્રયત્ન આદરવા દેવા જોઇએ અને એજન્ડા-૨૧ દ્વારા આવા પ્રયાસો સમગ્ર વિશ્વમાં થઇ રહયા છે.
૩. માનવહિત : માનવવસ્તી અને પર્યાવરણ એ અસમતુલાના બે પાસા છે. વધતા જતા પ્રદૂષણથી માનવજીવન અને સજીવસૃષ્ટિ ખોરવાઇ રહી છે. વધતા મનવજીવન ટકાવી રાખવા માટે પૃથ્વી એક સાધન છે. પણ દિવસે દિવસે સમગ્ર વિશ્વમાં વસ્તીવૃદ્ધિથી પૃથ્વીનું ભાર વધથું જાય છે. પણ પૃથ્વીના સાધનો અને સંપતિમાં કોઇ વધારો થતો નથી એ તો ઘટતા જ જાય છે. સમગ્ર માનવજાત આ પ્રશ્ને ચિંતિત છે. આ સંજોગોમાં પર્યાવરણ અંગેની આવશ્યકતા લોકોને સમજાય અને તે અંગે જાગૃતિ પ્રસરે તે ખૂબ જ જરૂરી છે. માનવહિત કે કલ્યાણ માટે સૌ પ્રથમ લોકોને પર્યાવરણ શિક્ષણ, પ્રદૂષણ માટેની જાગૃતિ શિક્ષણ ખૂબ જ જરૂરી છે. પર્યાવરણના પ્રશ્ને જ્યારે કોઇપણ પગલું લેવાય તો તેની અસર વિકાસ કાર્ય પર, ઉદ્યોગોના ઉત્પાદનકાર્ય પર, લોકોના આરોગ્ય પર, તેમજ સમાજસ્વાસ્થ્યના ઉપર પડવાની છે. આ વાત સમયવ્યાપક જનસમાજોના અને અમલીકરણ તંત્રવાહકોનો સહકાર મળે તે પણ જરૂરી છે. તો જ અસરકારક બની શકે.
૪. પર્યાવરણની જાળવણી સમાજ માટે ખૂબ જ અગત્યની છે. આવતી પેઢીને કુદરતના સ્ત્રોતો અકબંધ આપી જવાની જવાબદારી નિભાવવા માટે પર્યાવરણની જાળવણી જરૂરી છે. વિકાસ પણ પર્યાવરણ સાથે એ આજનું સૂત્ર છે. પ્રદૂષણ રહિત સમાજ એ શારીરિક અને માનસિક હશે. ઔદ્યોગિકરણથી કારખાના દ્વારા નિકળતા પ્રદૂષિત પાણી, હવા વગેરેથી આસપાસના લોકોનું સ્વસ્થ્ય બગડે છે અને તેવો વિવિધ રોગોના શિકાર બને છે. પર્યાવરણનો અભાવ આપણે આ સંભવિત પ્રદૂષણથી બચવાના ઉપાયો માટે જાગૃત કરે છે અને સમાજ આવા ખતરનાક દૂષણોથી બચવા પ્રેરે છે. આમ એડન્ડા-૨૧ આજના વર્તમાન સમાજ તથા આવનારી પેઢીના માનવહિત, સામાજીક કલ્યાણ તથા પ્રદૂષણ રહિત પર્યાવરણ અને અટકાઉ વિકાસ માટેની એક યોજના પણ છે.

એજન્ડા હેતુપૂર્તિ અંગેનું માળખું :
(૧) વૃધ્ધિ દરમાં વૃધ્ધિ : છેલ્લા કેટલાક સમયથી વિકસિત દેશોનો વૃધ્ધિ દર ઓછો થઇ ગયો છે. વિકાસશીલ દેશોનો પણ વૃધ્ધિદર સ્થગિત બનતો જાય છે. ૬૦ ના દાયકાના વૃધ્ધિદર પાછો મેળવવા માટે ટકાઉ આર્થિક વિકાસ શકય બને તે માટે આંતરરાષ્ટ્રીય નીતિઓનું નિર્માણ કરવું, સાથોસાથ વિકાસ વધે પરંતુ પર્યાવરણ જળવાઇ રહે તેવું સૂચન કરવું. માનવીના વિકાસ માટે પર્યાવરણ એક મહત્ત્વનું પરિબળ છે. આજે માનવ વૃધ્ધિ તો વધી છે પણ વૃધ્ધિ સંખ્યાત્મક છે, ગુણાત્મક નથી. સંખ્યાત્મક વૃધ્ધિ દર ખૂબ જ ઉચો છે. આથી એજન્ડા ૨૧ નો હેતુ આજની વસ્તી વૃધ્ધિના જોખમમાંથી બચાવવાનો છે.
(૨) ટકાઉ જીવનધોરણ : ભારતની વસ્તી સંખ્યાત્મક રીતે વધી રહી છે. વસ્તી ગુણાત્મક હોય તો તે વસ્તી દેશના વિકાસ માટે ઉપયોગી થાય છે. ગુણાત્મકતાનો અભાવ હોવાથી તે સમાજના વિકાસમાં અવરોધક બને છે. સાથોસાથ વધતી વસ્તીને જો નિયંત્રણમાં નહીં લઇએ તો પ્રજાના વ્યાપક વર્ગોને ટકાઉ જીવનધોરણ નહી આપી શકાય. ભારતમાં ગરીબીનું પ્રમાણ વ્યાપક છે. વિકાસ થાય છે પણ તે અમુક નાના વર્ગમાં જ થાય છે. આ વર્ગે જ જીવનશૈલી વિકસાવવી છે. જીવનધોરણ ટકી રહે તેવા ગરીબીમાં ન સરી પડે તેવી સમાજવ્યવસ્થા સર્જવી હોય તો ઉપલા વર્ગે સંસાધનોનો બગાડ કરનારી જીવનશૈલી બદલવી પડશે. આથી આજે એજન્ડા ૨૧ દ્વારા ટકાઉ જીવનધોરણ માટે પ્રયત્ન કરવામાં આવે છે.
(૩) માનવ વસવાટ : સ્થાનિક સાધનોના ઉપયોગથી પોસાય તેવા માનવ વસવાટોનું આયોજન જરૂરી છે. આપણી જીવશૈલી પાણીનો બગાડ કરનારી છે તેથી ભવિષ્યની પેઢીને નુકશાન થશે. આ જીવનશૈલી બદલીને પાણીનો ઓછો કરનારી ટેકનોલોજી અને જીવનશૈલીની શોધ કરવી. માનવ સમસ્યાના નિકાલ માટે પણ બિનખર્ચાળ વ્યવસ્થાની જરૂર છે. ભારતમાં બાયોગેસના પ્રયોગો આ દિશામાં થઇ રહયા છે. પ્રદૂષણની માત્રા એટલી બધી વધી છે કે કેટલાક કિસ્સાઓમાં તો માનઅસ્તિત્વ ભયમાં મૂકાયું છે.
(૪) સંશાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ : જમીન, પાણી, વાયુ, જંગલ અને ઉર્જા જેવાં સંશાધનો ઔદ્યોગિક વિકાસ, આર્થિક વિકાસના નામે અતિ ઉપયોગી છે. તેના પુનઃનિર્માણ અંગે ઉદાસીનતા દાખવી છે. કુદરતી સાધોનોનો માનવીએ ભરપૂર ઉપયોગ કર્યે જ રાખ્યો છે. પણ તેની જાળવણી કરવાનું ભૂલી ગયા છે. કુદરતના તત્વોના ઉપયોગ કરીને તેનું પુનઃનિર્માણ થાય તેવું આયોજન જરૂરી છે. જંગલો કપાતા જાય છે પણ વૃક્ષો ઉગાડતા નથી. પાણીનો બગાડ થાય છે પણ પાણી સંગ્રહની રીતો દ્રારા પાણી સંગ્રહ થતો નથી.
૫) વિશ્વમાં પ્રાદેશિક પર્યાવરણની જાણકારી : વ્યાપક ઔદ્યોગિક વિકાસને પરિણામે પર્યાવરણના કેટલાક ગંભીર વૈશ્વિક પ્રશ્નો ઉભા થાય છે. હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, અંગારવાયુનું વધતું પ્રમાણ, ઓઝોન પડમાં ગાબડા, દરિયામાં ઠલવાતા કચરાના કારણે થતું દરિયા પ્રદૂષણ વગેરે પ્રશ્નો ઉભા થાય છે. વિકસિત દેશો ઉદ્યોગો ઉભા કરી વધારે ઉત્પાદન કરે છે. તેથી વાતાવરણમાં પ્રદૂષણની માત્રામાં સતત વધારો થતો રહે છે. તેની સામે તમામ દેશોએ જંગલ ઉગાડવાની જરૂર છે.
(૬) રાસાયણિક કચરાનું વ્યવસ્થાપન : રાસાયણિક કારખાનાઓ દ્રારા ઝેરી વાયુ, પાણી અને કચરો છોડવામાં આવે છે તેની નિકાલની યોગ્ય વ્યવસ્થા ન થાય તો પ્રાણીઓ અને વનસ્પતિઓના સ્વાસ્થ્ય અને અસ્તિત્વ માટે જોખમ ઉભું થાય છે. ઉદ્યોગોનું પર્યાવરણ ઓડિટ જરૂરી છે.
(૭) લોકોની ભાગીદારી અને જવાબદારી : કોઇપણ દેશની પ્રજા બિનસરકારી સંગઠનો, મજૂર મંડળો, બુધ્ધિજીવીઓ, વૈજ્ઞાનિકો અનેસંશોધકોમાં, ખેડૂત મંડળની સ્થાનિક સત્તાઓ વગેરેએ વિકાસની આ તરાહને પરિણામે પ્રજાને શી મુશ્કેલી પડે છે. સાધનોના કઇ રીતે બગાડ થાય છે, પર્યાવરણને કઇ રીતે નુકશાન થાય છે વગેરેની વાત તેઓ સરકાર સાથે સારી રીતે કરી શકે છે. બિનસરકારી સંગઠનોના કારણે પર્યાવરણ જાગૃતિ આવી છે અને એમાં ઘણું પરિવર્તન દેખાઇ રહ્યું છે. આ જૂથોએ સરકાર સાથે ચર્ચા કરી પોતાના અવાજ પહોંચતા કરવાનો છે.
(૮) સંસ્થાકીય માળખા : ટકાઉ વિકાસ માટે સંસ્થાકીય માળખાઓ ઉભા કરવા પડશે તે અંગે માહિતીનું દસ્તાવેજીકરણ કરવાનું જરૂરી બનશે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નેટવર્ક ઉભા કરવા પડશે. તે દિશામાં સંશોધનો અને યોગ્ય ટૅક્નોલોજીનો વિકાસ કરવો પડશે અને જરૂરી માળખામાં ઉચિત ફેરફારો કરવા જરૂરી બનશે.

એજન્ડા ૨૧ ના નિર્ણયો :
૧. ગ્રીન હાઉસ ગેસ પ્રદૂષણ ઓછું કરવું. કાર્બન ડાયોકસાઇડ અને મિથેન જેવા ગેસના ઉત્સર્જન પ્રમાણમાં ૨૫ ટકા ઘટાડો કરવો.
૨. દરેક દેશે પોતાની રાષ્ટ્રીય જંગલ સંપતિનું સંવર્ધન કરવું અને તેનો વિનાશ અટકાવવો.
૩. પર્યાવરણના સંરક્ષણ માટે જીવસૃષ્ટિનું જતન કરવું.
૪. વસ્તી વિસ્ફોટ કાબૂમાં લેવો.
૫. વિશ્વના તમામ દેશોમાં સમતોલ પર્યાવરણની જાળવણી કરવી.
૬. વિશ્વના તમામ દેશોમાં પર્યાવરણ અને માનવ વચ્ચેના સંબંધોનું સમાયોજન કરવું.
૭. દેશો-દેશો વચ્ચે પર્યાવરણ અંગેની સમજૂતિ કરવી.
૮. ૨૧ મી સદીમાં શરૂ થનાર ઔદ્યોગિક વિકાસ અને પર્યાવરણ વચ્ચેના અંતર વચ્ચે સમાયોજન કરવું.
૯. વિકસિત રાષ્ટ્રોએ વિકાસશીલ અને પછાત દેશોને પર્યાવરણ માટે આર્થિક સહાય કરવી.
૧૦. રાષ્ટ્રો-રાષ્ટ્રો વચ્ચે શાંતિ, વિકાસ અને પયાર્ચવરણ સુરક્ષા ઉભી કરવી.
૧૧. સામાજિક કલ્યાણ, ટકાઉ વિકાસ અને પર્યાવરણની જાળવણી માટે વૈશ્વિક કાયદાની જોગવાઇ કરવી.
૧૨. વિશ્વના યુવાનોમાં પર્યાવરણ અંગેના આદર્શો વિકસે અને વૈશ્વિક એકતા ઉભી થાય તેવા પ્રયત્નો કરવા.
૧૩. પર્યાવરણના આયોજનમાં સ્ત્રીઓને સામેલ કરવી.
૧૪. રાષ્ટ્રો અને રાજ્યો દ્વારા પર્યાવરણ માટે ચોક્કસ બજેટ ઉભું કરી તેનો ઉપયોગ પ્રદૂષણ નિવારવા માટે કરવો.
૧૫. લોકોના ઉચ્ચ જીવનધોરણ માટે ટકાઉ વિકાસના પ્રયત્નો કરવા.
૧૬. રાષ્ટ્રો-રાષ્ટ્રો વચ્ચે ઔદ્યોગિક વિકાસ, યાંત્રિક વિકાસ તેમજ ટૅક્નોલોજીની આપ-લે કરી શકાય તેનું પરસ્પરાવલંબન કેળવવું.
૧૭. લોકજાગૃતિ લાવી પર્યાવરણની સમજ પ્રસારિત કરી સામાજિક મૂલ્યો દ્વારા સમજ કેળવવી.
૧૮. પર્યાવરણના ભોગે આર્થિક વિકાસ ન થવા દેવો.
૧૯. પર્યાવરણના કાયદાઓનું ચુસ્ત પાલન કરાવી, કાયદાના ઉલ્લંઘન માટે કાયદાકાય જોગવાઇ મુજબ દંડ કરવો.
૨૦. માનવ સ્વાસ્થ્ય, માનહિતની જાળવણી કરવી.
૨૧. દરેક રાષ્ટ્રમાં પર્યાવરણ મંત્રાલયની વ્યવસ્થા કરી તે માટે બજેટ ઉભું કરવું.

ઉમેશ કાસુન્દ્રા
લેખક શ્રી ક્રિએશન એમ.એસ.ડબલ્યુ. કૉલેજ, રાજકોટ માં આસિ. પ્રોફેસર છે.
સંકલન : કંચન કુંભારાણા