શહેરના તળાવો અને આપણી લોકભાગીદારી...!!! (૩)

Submitted by vinitrana on Wed, 07/31/2013 - 16:06
Hamirsar Lake, BhujHamirsar Lake, Bhujહમીરસર તળાવ પાણીથી ભરેલું રહે એ માટે તેની આસપાસના વિસ્તારોમાં કુવા/બોરવેલ દ્વારા થઇ રહેલું પાણીનું શોષણ અટકાવવું જોઇએ. ભુજ શહેરની હાલની પાણીની જરૂરિયાત ૩૬ મિલીયન લિટર પ્રતિ દિવસ છે. હમીરસર તળાવની ક્ષમતા ૩૬ લાખ ઘનમીટર છે. હવે સામાન્ય રીતે ૫૦% પાણી બાષ્પિભવન કે અન્યત્ર રીતે ઉડી જતું હોય તો પણ હમીરસર તળાવ દ્વારા ૧૮ લાખ ઘનમીટર પાણી મળી રહે. હવે ધારો કે, હમીરસર તળાવમાં ફિલ્ટ્રેશન પ્લાન્ટ બનાવીને પીવાનું અને ઘરવપરાશનું પાણી પૂરૂ પાડવામાં આવે તો કેટલા કુટુંબોને પાણી મળી રહે તેની ગણતરી કરીએ. સામાન્ય રીતે એક વ્યકિત દીઠ ૧૪૦ લિટર/દિવસ પાણીની જરૂરિયાત હોય છે. એક વર્ષ માટે આ જરૂરિયાત ૧૪૦¢૩૬૫=૫૧,૧૦૦ લિટર/માનવ/વર્ષ થાય. સામાન્ય રીતે પાંચ વ્યકિતનું એક કુટુંબ ગણીએ તો એક કુટુંબની જરૂરિયાત ૫૧,૧૦૦¢૫=૨,૫૫,૫૦૦ લિટર/કુટુંબ/વર્ષ થાય. હમીરસરમાંથી મળતાં ૧૮ લાખ ઘનમીટર પાણીને લિટરમાં ફેરવીએ તો ૧૮,૦૦,૦૦૦¢૧૦૦૦=૧૮,૦૦,૦૦૦,૦૦૦ લિટર થાય. હવે એક કુટુંબને પ્રતિ વર્ષ ૨,૫૫,૫૦૦ લિટર પાણીની જરૂરિયાત હોય તો ૧૮,૦૦,૦૦૦,૦૦૦£૨,૫૫,૫૦૦=૭૦૪૫ કુટુંબને પાણીની જરૂરિયાત પૂરી પાડી શકાય. આ એક આદર્શ ગણતરી પ્રમાણે આપણે વાત કરીએ છીએ. આમછતાં પણ જો હમીરસર દ્વારા આશરે ૧૦૦૦ કુટુંબને પણ પીવાનું અને ઘરવપરાશનું પાણી મળી રહે તો પણ તેનો સમાવેશ 'રામસર સાઇટ' તરીકે થઇ શકે!

Hamirsar Lake, BhujHamirsar Lake, Bhujપીવાના પાણીની ગુણવત્તા માટેના ધારા-ધોરણો મેડિકલ રિસર્ચ કાઉન્સિલ દ્વારા આયોજિત કરવામાં આવે છે. ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતાં પાણીને ભારતીય માનક કોડ દ્વારા નિયમન કરવામાં આવે છે. સામાન્ય ધારા-ધોરણોની સાથે લોખંડ અને સ્ટીલ, એલ્યુમિનિયમ, પલ્પ અને પેપર, ઓઇલ રિફાઇનરીઓ, પ્રેટ્રોકેમિકલ્સ અને થર્મલ પાવર પ્લાન્ટ જેવા ઉદ્યોગોના ગંદા પાણીને પણ આ માનક કોડ દ્વારા જળ પ્રદૂષણ નિયંત્રણની યાદીમાં સમાવવામાં આવેલા છે. ધારાસભા દ્વારા આ બાબતે કડક કાયદાઓ બનાવવામાં આવેલા છે. પ્રિવેન્સન એન્ડ કન્ટ્રોલ ઓફ પોલ્યુશન એકટ, ૧૯૭૪ દ્વારા જળાશયોમાં થતાં પ્રદૂષણને રોકવા અંગેના કાયદાઓનો સમાવેશ કરવામાં આવલો છે અને આ કાયદાઓનું પાલન ન કરવામાં આવે તો તે સજાને પાત્ર છે એવું પણ દર્શાવવામાં આવેલું છે.

ભારતના સપાટીય સ્રોતો અંગે વાત કરીએ તો, કુલ ૧૩ રિવર બેઝીનમાંથી ફકત ચાર જ રિવર બેઝીન હાઇ રેઇનફોલના ક્ષેત્રમાં આવે છે અને તે બારમાસી છે.(બ્રહ્મપુત્રા, ગંગા, મહાનંદી અને બ્રાહ્મણી), છ રિવર બેઝીન મિડીયમ રેઇનફાલ ક્ષેત્રમાં આવે છે અને બાકીના બધા જ રિવર બેઝીન લો રેઇનફોલ ક્ષેત્રમાં આવે છે. આથી મોટા ભાગની નદીઓમાં ઉનાળા દરમિયાન પાણી હોતું નથી. આવા સંજોગોમાં તળાવોમાં પાણીની સ્થિતિ શું હોઇ શકે?

ભારતમાં આશરે ૭.૨ લાખ હેકટર વિસ્તારમાં તળાવો આવેલા છે. આ તળાવો છીછરા અને વિસ્તારના દ્રષ્ટિકોણથી એકદમ નાના છે. આ કારણોસર આવા તળાવોમાં ઓછી માત્રામાં વરસાદી પાણી સંગ્રહ થાય છે. આવા તળાવોના આવકક્ષેત્ર તેમજ તળાવના ભૂસ્તરનો અભ્યાસ કરીને તેને ઊંડા બનાવવાની કામગીરી હાથ ધરવી જોઇએ. ભુજ શહેરની વાત કરીએ તો, જયુબેલી સર્કલ પાસે ઓરિએન્ટ કોલોનીમાં આવેલી જીવણરાઇ તળાવડી નામશેષ તો નથી થઇ પણ તેનો વિસ્તાર ઘટી જવા પામ્યો છે. આ તળાવડીનો જેટલો પણ વિસ્તાર બચ્યો છે તેનું સિમાંકન કરીને તેની ઊંડાઇ વધારવાનું આયોજન કરવું જરૂરી બની જાય છે. આ પ્રમાણે જ પ્રાગસર તળાવની પણ બગડેલી પ્રણાલીને સુધારી શકાય તેમ છે. હમીરસર તળાવ ઓગની ગયા બાદ વધારાનું પાણી પ્રાગસર તરફ આવે છે આથી પ્રાગસર તળાવને ફરીથી ખુલ્લું કરવું જોઇએ જેથી વધારાનું પાણી શહેર તરફ ન આવતાં પ્રાગસર તરફ જાય.

આ કાર્ય કઠિન છે કારણ કે, પ્રાગસર તરફ જતાં પાણીના માર્ગમાં અનેક આડાશો આવી ગયેલી છે જે આપણે જ ઊભી કરી છે. જાગૃત નાગરીક તરીકે આપણી ફરજ સમજીને આપણે પાણીના વહેણના માર્ગમાંથી ખસી જવું જોઇએ. તળાવ ઉપર કોઇ એકની માલિકી હોતી નથી. કોઇપણ ગામ-શહેરમાં આવેલા તળાવ ઉપર તે ગામ-શહેરની માલિકી હોય છે. આથી આવા તળાવોના વિકાસનું કાર્ય ફકત એક તંત્ર દ્વારા કરવું અશકય છે. યોગ્ય દિશામાં કામ કરતાં તંત્રની સાથે આવા જ બીજા વહીવટી માળખાઓની સમિતી(ઉદાહરણ:જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતી, સ્થાનિક વિસ્તાર પ્રમાણેની પાણી સમિતિઓ) અને અનુભવી તજજ્ઞો તથા લોકભાગીદારીથી તળાવોના વિકાસના કાર્યો શકય બની શકે. આથી આવા તળાવોના વિકાસના કામ પ્રત્યે લોકો જાગૃત થાય એ અત્યંત જરૂરી છે. સરકાર દ્વારા તળાવો અંગેની કામગીરીઓ હાથ ધરવામાં આવે છે પણ કેટલા લોકો આવી કામગીરીમાં સહભાગી થાય છે તે એક મનોમંથનનો વિષય છે.

વિનીત કુંભારાણા