શહેરના તળાવો અને આપણી લોકભાગીદારી...!!!

Submitted by vinitrana on Thu, 08/22/2013 - 07:44
વિશ્વમાં વધતી જતી વસતી અને વિકાસને કારણે ભૂગર્ભજળની સાથે સપાટી ઉપરના પાણીની સ્થિતિ પણ હવે ચિંતાજનક બની રહી છે. વિશ્વના દેશોની સાથે ભારત દેશ પણ આ ચિંતાજનક પરિસ્થિતિમાંથી બાકાત નથી. કુદરતી પાણીના સ્રોતોની સાથે સપાટીય સ્રોતોના પાણીની ગુણવત્તા બાબતે પણ સ્થિતિ ચિંતાજનક છે. આ માટે પાણીની પરિસ્થિતિ અને તેની ગુણવત્તા જાળવી રાખવાની તાતી જરૂરિયાત છે. ભારત સરકાર દ્વારા આ બાબતે પગલા લેવાની શરૂઆત કરવામાં આવેલી છે. સપાટીય સ્રોતોના રક્ષણ માટે ક્રેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૦૧માં 'નેશનલ લેકસ કન્ઝરવેશન પ્લાન' ઘડી કાઢવામાં આવ્યો હતો. આ પ્લાનનો સમાવેશ અગીયારમી પંચવર્ષીય યોજનામાં પણ કરવામાં આવ્યો હતો. આમ કરવાનું મુખ્ય કારણ એ હતું કે, શહેરોમાં આવેલા તળાવોમાં સિલ્ટીંગ થઇ રહ્યું હતું. આ ઉપરાંત તળાવોની આસપાસના વિસ્તારો દ્વારા ગેરકાયદેસર દબાણો થવાથી તળાવોનો વિસ્તાર ઘટી રહ્યો હતો.નેશનલ લેકસ કન્ઝરવેશન પ્લાન ઘડી કાઢવાના હેતુઓ આ પ્રમાણે હતા:

૧. તળાવોમાં થતાં પ્રદૂષણના સ્રોતને શોધી તેને અટકાવવા અથવા તો તેને અન્ય દિશા તરફ વાળી દેવા. ૨. તળાવોમાં ખાણેત્રા કરવા તેમજ વેટલેન્ડ સાઇટના અભિગમને આધિન રહીને બાંધકામ કરવા.૩. તળાવોના આવકક્ષેત્રનું સિમાંકન કરવું અને તેમાં સુધારણા કરવી.૪. તળાવની આસપાસ પ્રજાના મનોરંજન માટેની સગવડો જેવી કે, બાલ વાટિકા, બોટિંગ વગેરે શરૂ કરવા.૫. તળાવો પ્રત્યે લોકજાગૃતિ ઊભી કરવી અને લોકભાગીદારી દ્વારા વિકાસના કામ કરવા.૬. અન્ય કામગીરી તળાવોના સ્થાન અને માનવ વસતીને ધ્યાનમાં રાખીને કરવી.

આ હેતુઓને ધ્યાનમાં રાખીને વર્ષ ૨૦૦૬ સુધીમાં સરકાર દ્વારા ૨૮ પ્રકલ્પ તૈયાર કરવામાં આવ્યા જેમાં ૧૨ રાજયોના કુલ ૪૨ તળાવોનો સમાવેશ કરવામાં આવ્યો અને કુલ ૧૫૭ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. અગીયારમી પંચવર્ષિય યોજનામાં તળાવો માટેના ચોક્કસ વિસ્તારના સર્વેની સાથે તેના સિમાંકન કરી તેના પુન:સ્થાપનની કામગીરીઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત તળાવોના આવકક્ષેત્રોમાં પણ સુધારણા કરી તેના રક્ષણ માટેના પણ પગલાઓ લેવામાં આવ્યા હતા. આ બધી જ કામગીરીઓ જે-તે વિસ્તારના લોકોની ભાગીદારી દ્વારા કરવામાં આવ્યા હતા. લોકો આવા કામમાં સહભાગી થાય એ માટે લોકજાગૃતિના કાર્યક્રમોનો સમાવેશ પણ કામગીરીમાં કરવામાં આવેલો હતો.

ધ નેશનલ કમીશન ફોર ઇન્ટિગ્રેટેડ વોટર રિસોર્સિઝ દ્વારા દેશના ફ્રેશ વોટરના સ્રોતોની આકારણી કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં કુલ ૨૪ રિવર બેઝીન સાથે ઉપયોગમાં લઇ શકાય તેવા સપાટીય પાણીના સ્રોતોનું સર્વે કરવામાં આવ્યું હતું. આ સર્વે પ્રમાણે દેશમાં અંદાજિત૩૨.૮૮ લાખ ચોરસ કિ.મી.આવકક્ષેત્રો સાથે ૧૯૫૨.૮૭ ઘન કિ.મી. પ્રતિ વર્ષ સપાટીય સ્રોતો મળી આવ્યા છે. સેન્ટ્રલ ગ્રાઉન્ડવોટર બોર્ડ દ્વારા ૪૩૨ ઘન કિ.મી. ફ્રેશ ગ્રાઉન્ડવોટર પ્રતિ વર્ષ ઓળખવામાં આવેલા છે જેમાંથી ૩૯૬ ઘન કિ.મી. ઉપયોગમાં આવી શકે તેવી સ્થિતિમાં છે. ધ નેશનલ કમીશન ફોર ઇન્ટિગ્રેટેડ વોટર રિસોર્સિઝ દ્વારા પાણીની વધુમાં વધુ અને ઓછામાં ઓછી જરૂરિયાતનો અંદાજ કાઢવામાં આવ્યો હતો. આ અંદાજ પ્રમાણે વર્ષ ૨૦૧૦માં ઓછામાં ઓછી જરૂરિયાત ૬૯૪ ઘન કિ.મી.થી વધુમાં વધુ ૭૧૦ ઘન કિ.મી. હતી. આ અંદાજના અનુસંધાને વર્ષ ૨૦૨૫માં ઓછામાં ઓછી ૭૮૪ ઘન કિ.મી. અને વધુમાં વધુ ૮૪૩ ઘન કિ.મી. જેટલી રહેશે. આ પ્રમાણે જ આ આંકડો વર્ષ ૨૦૫૦માં ૯૭૩ ઘન કિ.મી. ૧૧૮૦ ઘન કિ.મી. સુધી થવાનો અંદાજ છે. આ અંદાજ ઉપરથી સ્પષ્ટ જાણી શકાય છે કે આપણે પાણીનો વપરાશ કાળજીપૂર્વક કરવો જોઇએ અને પાણીના સ્રોતોની જાળવણીના યોગ્ય વ્યવસ્થાપનના પગલાઓ અત્યારથી જ ભરવા જોઇએ.

પીવાના પાણીની ગુણવત્તા માટેના ધારા-ધોરણો મેડિકલ રિસર્ચ કાઉન્સિલ દ્વારા આયોજિત કરવામાં આવે છે. ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતાં પાણીને ભારતીય માનક કોડ દ્વારા નિયમન કરવામાં આવે છે. સામાન્ય ધારા-ધોરણોની સાથે લોખંડ અને સ્ટીલ, એલ્યુમિનિયમ, પલ્પ અને પેપર, ઓઇલ રિફાઇનરીઓ, પ્રેટ્રોકેમિકલ્સ અને થર્મલ પાવર પ્લાન્ટ જેવા ઉદ્યોગોના ગંદા પાણીને પણ આ માનક કોડ દ્વારા જળ પ્રદૂષણ નિયંત્રણની યાદીમાં સમાવવામાં આવેલા છે. ધારાસભા દ્વારા આ બાબતે કડક કાયદાઓ બનાવવામાં આવેલા છે. પ્રિવેન્સન એન્ડ કન્ટ્રોલ ઓફ પોલ્યુશન એકટ, ૧૯૭૪ દ્વારા જળાશયોમાં થતાં પ્રદૂષણને રોકવા અંગેના કાયદાઓનો સમાવેશ કરવામાં આવલો છે અને આ કાયદાઓનું પાલન ન કરવામાં આવે તો તે સજાને પાત્ર છે એવું પણ દર્શાવવામાં આવેલું છે.

ભારતના સપાટીય સ્રોતો અંગે વાત કરીએ તો, કુલ ૧૩ રિવર બેઝીનમાંથી ફકત ચાર જ રિવર બેઝીન હાઇ રેઇનફોલના ક્ષેત્રમાં આવે છે અને તે બારમાસી છે.(બ્રહ્મપુત્રા, ગંગા, મહાનંદી અને બ્રાહ્મણી), છ રિવર બેઝીન મિડીયમ રેઇનફાલ ક્ષેત્રમાં આવે છે અને બાકીના બધા જ રિવર બેઝીન લો રેઇનફોલ ક્ષેત્રમાં આવે છે. આથી મોટા ભાગની નદીઓમાં ઉનાળા દરમિયાન પાણી હોતું નથી. આવા સંજોગોમાં તળાવોમાં પાણીની સ્થિતિ શું હોઇ શકે?

ભારતમાં આશરે ૭.૨ લાખ હેકટર વિસ્તારમાં તળાવો આવેલા છે. આ તળાવો છીછરા અને વિસ્તારના દ્રષ્ટિકોણથી એકદમ નાના છે. આ કારણોસર આવા તળાવોમાં ઓછી માત્રામાં વરસાદી પાણી સંગ્રહ થાય છે. આવા તળાવોના આવકક્ષેત્ર તેમજ તળાવના ભૂસ્તરનો અભ્યાસ કરીને તેને ઊંડા બનાવવાની કામગીરી હાથ ધરવી જોઇએ. ભુજ શહેરની વાત કરીએ તો, જયુબેલી સર્કલ પાસે ઓરિએન્ટ કોલોનીમાં આવેલી જીવણરાઇ તળાવડી નામશેષ તો નથી થઇ પણ તેનો વિસ્તાર ઘટી જવા પામ્યો છે. આ તળાવડીનો જેટલો પણ વિસ્તાર બચ્યો છે તેનું સિમાંકન કરીને તેની ઊંડાઇ વધારવાનું આયોજન કરવું જરૂરી બની જાય છે. આ પ્રમાણે જ પ્રાગસર તળાવની પણ બગડેલી પ્રણાલીને સુધારી શકાય તેમ છે. હમીરસર તળાવ ઓગની ગયા બાદ વધારાનું પાણી પ્રાગસર તરફ આવે છે આથી પ્રાગસર તળાવને ફરીથી ખુલ્લું કરવું જોઇએ જેથી વધારાનું પાણી શહેર તરફ ન આવતાં પ્રાગસર તરફ જાય.

આ કાર્ય કઠિન છે કારણ કે, પ્રાગસર તરફ જતાં પાણીના માર્ગમાં અનેક આડાશો આવી ગયેલી છે જે આપણે જ ઊભી કરી છે. જાગૃત નાગરીક તરીકે આપણી ફરજ સમજીને આપણે પાણીના વહેણના માર્ગમાંથી ખસી જવું જોઇએ.

[img_assist|nid=45803|title=HAMIRSAR LAKE-BHUJ|desc=|link=none|align=left|width=314|height=157]તળાવ ઉપર કોઇ એકની માલિકી હોતી નથી. કોઇપણ ગામ-શહેરમાં આવેલા તળાવ ઉપર તે ગામ-શહેરની માલિકી હોય છે. આથી આવા તળાવોના વિકાસનું કાર્ય ફકત એક તંત્ર દ્વારા કરવું અશકય છે. યોગ્ય દિશામાં કામ કરતાં તંત્રની સાથે આવા જ બીજા વહીવટી માળખાઓની સમિતી(ઉદાહરણ:જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતી) અને અનુભવી તજજ્ઞો તથા લોકભાગીદારીથી તળાવોના વિકાસના કાર્યો શકય બની શકે. આથી આવા તળાવોના વિકાસના કામ પ્રત્યે લોકો જાગૃત થાય એ અત્યંત જરૂરી છે. સરકાર દ્વારા તળાવો અંગેની કામગીરીઓ હાથ ધરવામાં આવે છે પણ કેટલા લોકો આવી કામગીરીમાં સહભાગી થાય છે તે એક મનોમંથનનો વિષય છે.

વિનીત કુંભારાણા