આપણા જળસંસાધનો

Submitted by vinitrana on Sun, 12/21/2014 - 06:29

જળ-સંસાધનના મુખ્ય સ્ત્રોત સમા વરસાદના પાણીનો વરસાદની ઋતુ દરમ્યાન વધારાના પ્રવાહનો સંગ્રહ કરવો એ જ શ્રેષ્ઠ ઉપાય છે. આના માટે, નદીઓ ઉપર નાના નાના ચેકડેમો, ખેત-તલાવડીઓ, ભૂગર્ભ-જળસંગ્રહ યોજના દ્વારા આખા વર્ષ દરમ્યાન વરસાદના પાણીનો સંગ્રહ કરી શકાય તેમ છે. મોટા સરોવરોને બંધો બાંધવા એ મુશ્કેલ અને ખર્ચાળ છે, પરંતુ આપણા ઘરમાં જ ભૂગર્ભ ટાંકાઓનું આયોજન કરી આ પાણીનો આખા વર્ષ દરમ્યાન જીવનઉપયોગમાં કરી શકાય છે.


જળસંસાધનનો એક માત્ર મુખ્ય સ્રોત હોય તો તે છે વરસાદ. વરસાદ રૂપે પાણી પૃથ્વી ઉપરના સૌ કોઈ માટે તદ્દન નિઃશુલ્ક મળે છે. વરસાદ ઉપરાંતના ગૌણ જળસ્ત્રોતમાં - સરોવરો, હિમશિલાઓ, નદીઓ, ઝરણાં, કૂવાઓ વગેરેનો સમાવેશ થાય છે. આપણી જળસંપત્તિ ઉપર એક નજર પૃથ્વી પર પાણીના કુલ જથ્થાનો ૯૭ ટકા ભાગ સમુદ્ર અને મહાસાગરોમાં છે. જેમાં ક્ષારોનું પ્રમાણ વધુ હોવાને લીધે આ પાણી માનવીના ઉપયોગમાં આવતું નથી. બાકીના ૩ ટકા શુદ્ધ પાણીનો ૭૫ ટકા ભાગ ધ્રુવ પ્રદેશોમાં બરફ અને હિમનદી રૂપે છે. બાકીનો ૨૫ ટકા ભાગનું પાણી-નદી, સરોવર, તળાવ અને ભૂગર્ભ જળસ્વરૂપે રહેલો છે. પૃથ્વી ઉપરની વિશાળ જળંસપત્તિનું ૦.૬૬ ટકા ભાગનું પાણી જ શુદ્ધ ભૂગર્ભજળ સ્વરૂપે માનવીની આવશ્યકતાઓ પૂરી કરવા માટે ઉપલબ્ધ છે. ભારતમાં વિશ્વની ૧૭ ટકા વસ્તી છે. જ્યારે દુનિયાની કુલ નદીઓમાં વહેતા પાણીનો માત્ર ૭૫ ટકા જ સરેરાશ જળ-જથ્થો ભારતમાં મળે છે. દર ચોમાસે ૩,૦૦૦ મિલિયન એકર ફીટ વરસાદનું પાણી પડે છે. જેમાંથી, ૨,૪૦૦ મિલિયન એકર ફીટ પાણી દરિયામાં જતું રહે છે. ૬૦૦ મિલિયન એકર ફીટ પાણીભૂતળમાં ઊતરી ભૂગર્ભ-જળ સંગ્રહમાં માંડ ઉમેરાતું હોય તેમ અંદાજ માંડી શકાય.

વરસાદ અંગેના મહત્ત્વના આંકડા


અમુક સમયે અમુક વિસ્તારમાં વરસાદ કેટલા પ્રમાણમાં વરસે તે અંગે ચોક્કસ આગાહી કરવી શક્ય નથી. પરંતુ અમુક આંકડાઓ રૂપે આગાહી કરી શકાય છે. કારણ કે આપણી પાસે છેલ્લા સો કરતાં વધુ સમયની ભૂતકાળની લેખિત માહિતી ઉપલબ્ધ છે. હવામાનશાસ્ત્રીઓએ આ બધી માહિતીઓના આંકડાની દૃષ્ટિએ અભ્યાસ કર્યો છે. જેને આધારે તેમણે વરસાદનાં કેટલાક ખાસ લક્ષણો તારવ્યા છે તે નીચે મુજબ છે.

૧. આપણા દેશના વિશાળ ભાગ પર મોટા ભાગનો વરસાદ જૂનથી સપ્ટેમ્બર વચ્ચે આવે છે. આ ગાળો પણ એક સરખો હોતો નથી.
૨. પશ્ચિમ ઘાટ અને હિમાલયની તળેટીમાં સમગ્ર વિસ્તાર પર વર્ષાની કૃપા સૌથી વધારે વરસે છે. પશ્ચિમ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત એ વરસાદથી સૌથી વધુ વંચિત રહેતા વિસ્તારો છે.
૩. અમુક એક વિસ્તારમાં જુદાં જુદાં વર્ષોમાં પડતા વરસાદમાં પણ ઠીક ઠીક તફાવત હોય છે.
૪. વરસાદની ઋતુ દરમિયાન પણ વરસાદ એકસરખો વરસતો હોય એવું નથી. અનાવૃષ્ટિ-પૂરઅનાવૃષ્ટિ એવું ચક્ર અમુક પ્રદેશોમાં જૂન-સપ્ટેમ્બર મહિના દરમિયાન પણ જોવા મળે છે.

આમ, હવામાનશાસ્ત્રની આ આગાહીઓને ધ્યાનમાં રાખતા પણ વરસાદની અસમાન પડવાની રીતને કારણે ઘણી બધી મુશ્કેલીઓ પડે છે. આમ, છતાં જળ-સંસાધનના મુખ્ય સ્ત્રોત સમા વરસાદના પાણીનો વરસાદની ઋતુ દરમ્યાન વધારાના પ્રવાહનો સંગ્રહ કરવો એ જ શ્રેષ્ઠ ઉપાય છે. આના માટે, નદીઓ ઉપર નાના નાના ચેકડેમો, ખેતતલાવડીઓ, ભૂગર્ભ-જળસંગ્રહ યોજના દ્વારા આખા વર્ષ દરમ્યાન વરસાદના પાણીનો સંગ્રહ કરી શકાય તેમ છે. મોટા સરોવરોને બંધો બાંધવા એ મુશ્કેલ અને ખર્ચાળ છે, પરંતુ આપણા ઘરમાં જ ભૂગર્ભ ટાંકાઓનું આયોજન કરી આ પાણીનો આખા વર્ષ દરમ્યાન જીવનઉપયોગમાં કરી શકાય છે.

ગૌણસ્ત્રોત નદીઓ


સમુદ્ર, મહાસાગરો, સરોવરો અને નદીઓ પૃથ્વી પર મહત્ત્વના જળસ્ત્રોત હોવા છતાં માત્ર નદીઓ જ સ્વચ્છ અને નિર્મળ જળ પૂરું પાડી શકે છે. આ કારણે નદીઓનું જીવનમાં દરેક સ્તર પર ઘણું મૂલ્ય અંકાય છે. દુનિયા ભરના મોટા ભાગના પ્રદેશોમાં વહેતી નદીઓ જરૂરી જળપૂરવઠો પૂરો પાડે છે. આપણે કુલ ૩૩ કરોડ હેક્ટર જમીન ધરાવીએ છીએ અને એ જમીન પર સરેરાશ વાર્ષિક એક મીટરથી થોડો ઓછો વરસાદ પડે છે. આનો અર્થ એ થયો કે દર વર્ષે ૪૦ કરોડ હેક્ટો મીટર જેટલું પાણી આપણને ઉપલબ્ધ થાય છે. દર વર્ષે સમગ્ર દેશમાંથી લગભગ ૨૩ કરોડ હેક્ટો મીટર જેટલું પાણી બાષ્પરૂપે પાછું વાતાવરણમાં ચાલ્યું જાય છે. બાકી રહેલ ૧૭ કરોડ હેક્ટોમીટર જેટલું પાણી નદીઓ મારફતે, મુખ્યત્વે ચોમાસા દરમિયાન દરિયામાં ચાલ્યું જાય છે. આમ, ૧૭ કરોડ હેક્ટોમીટર પાણીનો વિપુલ જથ્થો વહી જાય તેને બદલે તેનો ઉપયોગ સિંચાઈ દ્વારા કરી શકાય. બંધો આડે કૃત્રિમ જળાશયો તૈયાર કરી, તેમાંથી નહેરો મારફતે સિંચાઈ કરી ખેતરોમાંથી મબલખ પાક લઈ શકાય છે. કૃત્રિમ જળાશયો નજીકની વસ્તીને તેમ જ ઉદ્યોગને જરૂરી પાણી પૂરું પાડી શકે છે. એટલું જ નહિ આજુબાજુના ભૂગર્ભ જળસંચયમાં ઉમેરો કરી શકાય છે.

સરોવરો


મોટા કુદરતી સરોવરો આપણે ત્યાં બહુ ઓછી સંખ્યામાં છે. મધ્યમ કક્ષાનાં કેટલાંક સરોવરો જેવાં કે દાલ, વુલર, તસોમરીરી, પેંગકોંગ વગેરે કાશ્મીરમાં આવેલાં છે. તો નાના કદનાં કેટલાંક સરોવરો કુમાઉ પર્વતીય વિસ્તારોમાં આવેલાં છે. સિક્કિમમાં પણ આયમડ્રોક, ત્સો, ચેમ્ટોડોગ જેવાં નાનાં સરોવરો આવેલાં છે. રાજસ્થાનમાં કેટલાંક છીછરાં તળાવો આવેલાં છે. પાણીનો સંગ્રહ કરવા અને પાણીના પ્રવાહનું નિયમન કરવાની દૃષ્ટિએ આપણાં કૃત્રિમ સરોવરો અને આપણે બાંધેલા જળાશયો મહત્ત્વનાં છે.

હિમશિલાઓ


પાણીના જથ્થાની દૃષ્ટિએ જોઈએ તો હિમાલયમાં ઓગળતા બરફથી જે પાણી આવે છે. તેના કરતાં વરસાદનાં ઝાપટાનું પાણી વધારે હોય છે. ચોમાસાની ઋતુ દરમિયાન ઘણા મોટા પ્રમાણમાં પાણી હિમાલયમાંથી મેદાની વિસ્તારોને પ્રાપ્ત થાય છે. શિયાળા અને ઉનાળા એમ બંને ઋતુઓ દરમિયાન હિમાલય ઉપર હિમવર્ષા થાય છે. તે નીચે આવેલ પર્વતો અથવા ડુંગરો પર જે વરસાદ થાય છે,તેની સરખામણીમાં ઘણી ઓછી હોય છે.

પ્રાચીન સમયમાં હિમાલય અતિશય ઠંડો હતો. ત્યારે બરફના આ વિરાટ જથ્થાઓ ત્યાં એકત્ર થયા હતા. તે સમયે હિમાલય પરનું હવામાન અતિશય ઠંડુ હતું. હકીકતમાં તો તે સમય હિમશિલાઓ ઘણી મોટી હતી. હિમશીલાઓ બે-ત્રણ કિલોમીટર ઊંચાઈ સુધી પથરાયેલી હતી. આજે ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે હવામાન હુંફાળું થતાં આખા વર્ષ દમરિયાન જે હિમવર્ષા થાય છે, તેટલો બરફ દર વર્ષે ઓગળીને તેનું પાણી નીચે વહી આવે છે. દર વર્ષે વૈશ્વિક તાપમાનમાં થતો વધારો એ હિમશિલાઓનું વધુ પ્રમાણમાં ઓગળવાનું કારણ બને છે. જે પાણીના સ્રોતમાં ઘટાડાનું સૂચન કરે છે.

હિમાલયની ઊંચાઈએ આવેલી કાયમી હિમશિલાઓ, પાણીના જથ્થાની દૃષ્ટિએ નાની ભૂમિકા ભજવે છે. છતાં તેનો બરફ જે સમયે ઓગળે છે, અને તેનું પાણી જે સમયે આપણને નદીઓ મારફતે મળે છે. તે દૃષ્ટિએ તેનું મહત્ત્વ ઘણુ વધી જાય છે. હિમશિલાના બરફનું પાણી આપણને ભરઉનાળે પ્રાપ્ત થાય છે.

ભૂગર્ભજળ


ભૂમિસપાટી નીચે ખડકસ્તરોમાં રહેલા વર્ષાજળને ભૂગર્ભજળ કહે છે. વર્ષાજળ, ખડકછિદ્રના કે મેગ્માજન્ય જળના એકઠા થવાથી ભૃપુષ્ઠના ખડકસ્તરોમાં ભૂગર્ભજળરાશિ તૈયાર થાય છે.

વર્ષારૂપે પડતું પાણી બે રીતે મહાસાગરને જઈ મળે છે. સપાટી પર નદીઓ મારફતે અને સપાટી નીચેથી ખડકો મારફતે ભૂમિમાં જળસ્ત્રાવ ન થાય તો તે પાછું સપાટી પર એકત્રિત થઈ વહન પામે છે. ભૂમિપ્રવેશ કરી શકતું જળ ભેગું થતું જઈને સમુદ્ર તરફ ગતિ કરતું રહે છે. જળચક્ર-સ્વરૂપે જળ ભૂમિપ્રવેશ કરે છે. ભૂમિમાંથી બહાર નીકળે છે. જે અંદર રહે છે તેને ‘ભૂગર્ભજળ’ કહેવાય છે. ભૂગર્ભજળ ૭૫૦ મીટર સુધીની ઊંડાઈ સુધી મળી શકે છે.

ભેજવાળા પ્રદેશોમાં ભૂગર્ભજળ ભુપૃષ્ઠથી થોડાક મીટર નીચે જ્યારે રણપ્રદેશોમાં સેંકડો મીટર નીચે હોય છે. સરોવરોની આજુબાજુ તે ભૂપુષ્ઠની વધુ નજીક હોય છે. ભૂગર્ભજળસ્તરનું ઊંડાઈ-માપન નજીકના કૂવાઓ, ઝરા અને નદી પરથી જાણી શકાય છે. ભૂગર્ભજળ જાવક કુદરતી કે કૃત્રિમ બે રીતે થઈ શકે. કુદરતી રીતે થતા જાવકપ્રકારમાં જ્યારે ભૂગર્ભજળસપાટી ઊંડી ખીણ જેવા ભૂમિભાગને છેદે ત્યારે પાણી બહાર નીકળી આવી શકે છે. ઝરા, સરોવરો અને નદીઓ જેવાં સ્થળો પર જળજાવક શક્ય બની રહે છે. આ ઉપરાંત કૂવાની ઊંડાઈ ભૂગર્ભજળ સપાટીની લગોલગ આવી જાય ત્યારે કૂવામાં પાણીની આવક થાય છે.

જળસંચય માટેના કેટલાક ઉપયોગી પગલાં


- દરેક ગામમાં જળસંચય માટે સરેરાશ ૭૫ ચેકડેમો ગામની ચારે બાજુએ બાંધીને તેમાં વરસાદના પાણીનો સંગ્રહ કરીને તેને જમીનમાં ઊતારવા જોઈએ.
- આખા ગામની વસ્તી અને વિસ્તાર ચેકડેમની સંખ્યામાં ફેરફાર કરી શકાય.
- પ્રત્યેક ગામના પ્રત્યકે કૂવા-ડંકી રીચાર્જ કરવા જોઈએ.
- ગામ તળાવો, સરોવરો, પાળાઓ આડ બંધો વગેરે દ્વારા વરસાદના પાણીનો સંગ્રહ કરવો જોઈએ.
- દરેક ખેતર નજીક ખેતરના કાળના પ્રમાણમાં ખેત તલાવડી નું આયોજન કરી શકાય.
- દરેક ઘરનું વરસાદનું પાણી ભૂગર્ભ ટાંકાઓ, કૂવાઓ કે કુઈઓ દ્વારા સંગ્રહ કરવું જોઈએ.
- દરેક શેરી-મહોલ્લા સોસાયટીમાં પણ વિશાળ ભૂગર્ભ ટાંકાઓ બનાવીને તેમાં વરસાદનું પાણી સંગ્રહિત કરવું જોઈએ.
- અંદરની ચારે બાજુએ મોટા ડેમો બનાવીને, મૃત નદીઓને પુનઃ જીવિત કરીને ઊંચાઈવાળા વિસ્તારોમાં કે ટેકરીઓવાળા વિસ્તારોમાં વિશાળ સરોવરો બનાવીને તેમાં વરસાદનું પાણી પાઈપ દ્વારા તેમાં જવા દઈને તે રીચાર્જ કરીને વર્ષભરનું પાણી પાઈપ દ્વારા તેમાં જવા દઈને તે રીચાર્જ કરીને વર્ષભરનું પાણી મેળવી શકાય.

આપણે સૌ જાણીએ છીએ કે જળ એ જીવન છે. સમગ્ર પ્રાણીસૃષ્ટિ, વન્ય સૃષ્ટિ તેમ જ તમામ માટે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પાણી અનિવાર્ય છે. પાણીની કટોકટી આજે જે રીતે આકાર લઈ રહી છે. તેને માટે પાણીનો અસાધારણ ઉપયોગ, પાણીનો સંગ્રહ, જાળવણી, વિસ્તરણ અને ઉપયોગના અસરકારક આયોજનનો અભાવ વગેરે કારણો જવાબદાર છે. ચેરાપુંજીમાં જ્યાં સૌથી વધારે વરસાદ પડે છે ત્યાં પણ પાણીના પ્રશ્નો છે જ. ગંગા, યમુના, નર્મદા જેવી પૂજનીય લોકમાતા નદીઓ અતિશય પ્રદૂષિત થઈ ચૂકી છે. ત્યારે વરસાદના પાણીનો જળસંચય એ એક જ શ્રેષ્ઠ ઉપાય છે. આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લઈને પાણીના પ્રશ્નો ઉકેલવા જોઈએ.

મનોજ જગતાપ
( લેખક સાયન્સ કૉલેજમાં કેમેસ્ટ્રી વિભાગના લેક્ચરર છે.)
સંકલનઃ કંચન કુંભારાણા