આપનું વિશ્વ અને પાણી-1

Submitted by vinitrana on Fri, 01/10/2014 - 07:18
વિશ્વમાં પાણીની સમસ્યા અંગે આપણે વારંવાર સાંભળતા હોઇએ છીએ. ભવિષ્યમાં વિશ્વ પાણીની અછતથી પીડાતું હશે એવું આપણે સમાચારપત્રોમાં વાંચીએ છીએ પણ આવા સમાચારોની ગંભીરતાને આપણે સમજતાં નથી. આ વાત જયારે યુનાઇટેડ નેશન્સ(યુ. એન.) કહી ત્યારે વાતને ગંભીરતાથી લેવાનું વિશ્વના દેશોએ શરૂ કર્યુ છે. યુનાઇટેડ નેશન્સ-સંયુકત રાષ્ટ્ર સંઘે વિશ્વને ચેતવણી આપતાં જણાવ્યું છે કે, પ્રવર્તમાન સંજોગોમાં વિશ્વના અમુક પ્રદેશો પાણીની તિવ્ર અછતથી પીડાઇ રહ્યા છે. આગામી સમયમાં આ સ્થિતિને વકરતી અટકાવવા માટે પાણીનો બચાવ કરવામાં નહી આવે તો વિશ્વ માટે એક મોટી મુશ્કેલી ઊભી થઇ શકે તેમ છે. વિશ્વની પાણીની પરિસ્થિતિ અંગેનો અભ્યાસ કરીને સંયુકત રાષ્ટ્ર સંઘે અહેવાલમાં નોંધ કરી છે કે, વિશ્વમાં દિવસેને દિવસે ખોરાકની માંગ અને જળની અછત આવી રીતે જ વધતી જશે તો આવનારા વર્ષોમાં વિશ્વના અમુક દેશો ખોરાક અને પાણી માટે રીતસરના વલખા મારતાં હશે.

સમગ્ર વિશ્વમાં ૨૨, માર્ચને વિશ્વ જળ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને પાણી બચાવવા પ્રેરણા આપવાનો, પાણીનું મહત્વ સમજવાનો તેમજ પાણીને વેડફાતું અટકાવીને તેનું યોગ્ય વ્યવસ્થાપન કરવાનો છે. ઇ.સ. ૧૯૯૩ના વર્ષની સંયુકત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભાએ ૨૨, માર્ચને વિશ્વ જળ દિવસ તરીકે ઘોષિત કરેલો છે. દર વર્ષે પાણીને અનુલક્ષીને એક થીમ નક્કી કરવામાં આવે છે.

વર્ષ ૧૯૯૬માં પાણીની અછત ધરાવતાં શહેરોને ધ્યાને રાખીને થીમ બનાવવામાં આવી હતી. ૧૪ વર્ષ બાદ ફરી એ જ થીમ વર્ષ ૨૦૧૧ના વર્ષે રાખવી પડી છે જે દર્શાવે છે કે દોઢ દાયકા બાદ પણ શહેરોમાં પાણીની ચિંતા ઓછી થઇ શકી નથી. શહેરો માટે સંતોષકારક પાણી મેળવવું તે એક મોટો પડકાર છે. વર્ષ ૨૦૦૩માં પણ 'ભવિષ્ય માટેનું પાણી' એવી થીમ આયોજિત કરવામાં આવી હતી, પણ એ બાબતે પણ એવું કહી શકાય કે, હાલ તો આપણે આપણા વર્તમાનમાં પણ પૂરતું પાણી મેળવી કે બચાવી શકતા નથી તો ભવિષ્યનું ભાથું શુ???

વિશ્વ જળ દિવસ નિમિત્તે યુ. એન. વોટર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી 'એડવોકેસી ગાઇડ એન્ડ એકશન હેન્ડ બુક'માં નોંધવામાં આવેલી હકીકતો ઉપર એક નજર ફેરવી લેવી પણ જરૂરી છે: વિશ્વના શહેરોમાં વસતિ વધારો ૨ વ્યકિત/સેકન્ડ છે. વિકાસ પામી રહેલા દેશોમાં છેલ્લા દશ વર્ષમાં શહેરોમાં ૯૫% વસતિ વધારો થયો છે. છેલ્લા દશકામાં વિશ્વના દેશોમાં ૮૨૭.૬ મિલિયન લોકો શહેરોમાં વિસ્થાપિત થયેલા છે અને તેઓ પીવાના પાણીની અછત અને સ્વચ્છતાના મુદે પ્રભાવિત થયેલા છે. વિશ્વમાં આજની તારીખે ૨૭% લોકો ઘરે પાઇપલાઇનથી પાણી મેળવી શકતા નથી. વિશ્વના મેગા સીટીમાં દર વર્ષે ૨૫૦-૫૦૦ ઘનમીટર પાણી પાઇપલાઇનમાંથી લીકેજ થતું રહે છે. વિશ્વના ચારમાંથી દરેક એક સીટીમાં ૭૯૪ મિલિયન લોકોને સેનીટેશન અંગેની યોગ્ય સગવડતા મળતી નથી જેને કારણે કોલેરા, મલેરિયા અને ડાયેરિયા જેવા રોગો વારંવાર માથું ઊંચકે છે.

વિશ્વમાં પાણીને કારણે ઉદ્‌ભવી રહેલી બધી સમસ્યાની સામે શહેરોમાં પાણીનું યોગ્ય વ્યવસ્થાપનનો પ્રાણ પ્રશ્નનો જવાબ તો હજુ મેળવવાનો બાકી છે. જે ઝડપે શહેરોમાં વસતિ વધારો થઇ રહ્યો છે અને સામે પાણીને જે અછત ઊભી થઇ રહ્યી છે તે પડકારની સામે વિશ્વમાં હજુ સુધી કોઇ રણનીતિનું આયોજન કરવામાં આવેલું નથી. જોકે ભારતવર્ષમાં હવે ભૂગર્ભજળના વ્યવસ્થાપન અંગેની કામગીરી આગમી બારમી પંચવર્ષિય યોજના મારફતે કરવાની શરૂઆત કરવામાં આવી રહી છે.

(ક્રમશઃ)

વિનીત કુંભારાણા