જલ પેડી-૨૦૧૪ (૧)

Submitted by vinitrana on Fri, 07/11/2014 - 06:58
જેઠ સુદ એકાદશી નર્જિળા એકાદશી તરીકે ઓળખાય છે. આપણા પ્રાચીન મહાકાવ્ય મહાભારત અનુસાર દ્રૌપદી સહિત પાંડવો એકાદશીનું વ્રત કરતા હતા પરંતુ ભીમ માટે આ વ્રત કરવાનું દુષ્કર હતું. ભીમ આ વ્રત કરે એ માટે ભગવાન વેદવ્યાસજીએ ભીમને કહ્યું કે, જેઠ સુદ એકાદશી નિર્જળ રહીને કરવાથી આ નિર્જળા એકાદશીના પ્રભાવથી આખા વર્ષની એકાદશીનું ફળ પ્રાપ્ત થશે. વેદવ્યાસજીના કહેવાથી ભીમે જેઠ સુદ એકાદશી નિર્જળ રહીને કરી. આથી આ એકાદશી નિર્જળા એકાદશીની સાથે ભીમ અગિયારશ પણ કહેવામાં આવે છે. સમગ્ર ભારતવર્ષની સાથે આપણા ગુજરાતમાં ભીમ અગિયારશનું આગવું મહત્વ છે. આ દિવસ જળ સાથે જોડાયેલો છે. આપણી પ્રાચીન પરંપરા પ્રમાણે અગાઉના સમયમાં લોકસંસ્કૃતિની રૂઢી પ્રમાણે વરસાદનું આગમન થાય એ પહેલા ભીમ અગિયારસના દિવસે વર્ષાજળના સંગ્રહ માટે તમામ સ્થાનિક સ્રોતોનું નવિનીકરણ કરવામાં આવતું હતું. જળદેવતા સરળતાપૂર્વક ધરતી ઉપર વિશ્રામ કરે એ માટે કૂવા, તળાવ, તળાવની આવ અને વાવ જેવા જળાશયોની સાફ-સફાઇ કરવામાં આવતી હતી. આપણી આ સાંસ્કૃતિક પરંપરાના પુન:સ્થાપનની દિશામાં પહેલ સ્વરૂપે વિક્રમ સંવત, ૨૦૬૯, જેઠ સુદ, ૧૧, (ભીમ અગિયારસ) તા. ૨૦-૦૬-૨૦૧૩, ગુરુવાર ના રોજ જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતિ તથા એરિડ કોમ્યુનિટિસ એન્ડ ટેકનોલોજિસ સંસ્થાના સંયુકત ઉપક્રમે 'જલ પેડી' કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું આ વર્ષે પણ વિક્રમ સંવંત, ૨૦૭૦, જેઠ, સુદ, ૧૧, ભીમ અગિયારસ, તા. ૦૯-૦૬-૨૦૧૪, સોમવારના રોજ જલપેડીનું આયોજન કરવામાં આવેલું છે.

પાણીની કિંમત બધા લોકો જાણે છે. બધાને ખબર છે કે, પાણી નહીં હોય તો જીવન શકય નથી, પણ, આ પાણીને કેવી રીતે સાચચવું એ બાબતે લોકોમાં જાગૃતિ આવી છે પણ હજુ તેમાં વધુ પ્રયત્નો કરવાની જરૂર છે. શહેરમાં વસતા નાગરિકો એવું માને છે કે, પાણી અંગેની ચિંતા આપણે નહી પણ તંત્રએ કરવાની છે. આ વિચારધારા ખોટી કહી શકાય. ખોટી એટલા માટે કહી શકાય કે, પાણીની જરૂરિયાત આપણને છે માટે એ બાબતે સ્વાવલંબન મેળવવું એ આપણી નૈતિક ફરજનો એક ભાગ છે. વરસાદ...પ્રભુની પ્રસાદી છે અને આ પ્રસાદીને આપણે સંગ્રહ કરવાને બદલે વેડફી નાખીએ છીએ. દરેક ક્ષેત્રની કુદરતી લાક્ષણિકતા પ્રમાણે યોગ્ય માત્રામાં પૂરતો વરસાદ મળી રહે છે. વરસાદી પાણીને કેવી રીતે સંગ્રહ કરવો એ અંગેની જાગૃતિ જે-તે વિસ્તારના લોકોમાં હોવી જરૂરી છે. આપણા કચ્છપ્રદેશની વાત કરીએ તો વરસાદ તો આપણે ત્યાં થાય છે પણ એ વરસાદને સંગ્રહ કરવા માટેના 'ઠામ' પણ હોવા જરૂરી છે. આપણા કચ્છપ્રદેશના આ ઠામ એટલે આપણા જળ સંગ્રહના સ્થાનો જેમાં તળાવો પણ આપણી સાંસ્કૃતિક વિરાસત છે. તળાવો કે જે વર્ષો પૂર્વે અસ્તિત્વ ધરાવતા હતા પણ આજે આપણે કેટલાક કારણોસર આવા મહામૂલા ઠામો તરફ ઉદાસીન બન્યા છીએ. તળાવો આપણી સંસ્કૃતિ છે અને જે પ્રદેશમાં સંસ્કૃતિની જાળવણી થતી નથી એ પ્રદેશના વિકાસની ગતિ પણ મંદ પડી જાય છે. વરસાદી પાણીનો સંગ્રહ તળાવોમાં થશે તો ભૂતળમાં પાણી રિચાર્જ થશે અને આ રિચાર્જ થયેલું પાણી આપણે કૂવા-બોરવેલ દ્વારા મેળવી શકીશું. આપણા કૂવા-બોરવેલ સતત જીવંત રહે એ માટે તળાવો જીવંત રહેવા જરૂરી છે.

આ વર્ષે જલપેડી અંતર્ગત જે કાર્યક્રમો આયોજિત કરવામાં આવેલા હતા તેની વિગતો આ પ્રમાણે છે:

૧. જળસ્રોત વિકાસ અને વ્યવસ્થાપન અંગે પ્રદર્શન : જયુબીલી કેાલોની મધ્યે (ઉદ્‌ઘાટન સમારંભ) ૨. જીવણરાઇ તળાવનું ખાણેત્રું : સમય: સવારે ૯:૦૦ કલાકે.(પ્રતિષ્ઠિત આગેવાનોની હાજરીમાં)૩. ડી.વાય.એસ.પી. બંગલોના સંકુલમાં વરસાદી પાણીના સંગ્રહ માટેના ભૂગર્ભ ટાંકાનું ખાતમુહર્ત ૪. પાણી અંગે ફિલ્મ શો જાયન્ટ્સ હોલ, શાંતિનીકેતનની બાજુમાં, હોસ્પિટલ રોડ, મધ્યે: સ્કૂલ તથા કોલેજના વિધાર્થીઓ / સંસ્થા તથા વિવિધ મંડળો માટે ૫. વિવિધ સોસાયટીની સમિતિઓ જીવણરાય તળાવ, જયુબેલી કોલોની તથા શીવરા મંડપ વિસ્તારની મુલાકાત અને તેનું પ્રત્યેક્ષ નિદર્શન

ઉપરોકત કાર્યક્રમોનો વિસ્તૃત અહેવાલ આ પ્રમાણે છે:

સૌ પ્રથમ જયુબેલી કોલોનીમાં ભુજ શહેર ભાડાના અધિકારી શ્રી કિરીટભાઇ સોમપુરાના હસ્તે જયુબેલી કોલોનીમાં કરવામાં આવેલી કામગીરીના સ્થળે જળ આહુતિથી કાર્યક્રમનું ઉદ્‌ઘાટન કરવામાં આવેલું હતું. આ સાથે ઉપસ્થિતિ શ્રી કાંતિસેન શ્રોફ(કાકા), એરિડ કોમ્યુનિટિસ એન્ડ ટેકનોલોજિસ (એકટ) સંસ્થાના ડાયરેકટર શ્રી ડો. યોગેશ જાડેજા, જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતિ (જે.એસ.એસ.એસ.)ના કન્વિનર શ્રી તરૂણકાંત છાયા તથા અન્ય સભ્યોએ પણ જળ આહુતિ આપી હતી. જળ આહુતિના આ શુભ પ્રસંગમાં કોલોનીના પ્રમુખશ્રીએ પણ ભાગ લીધો હતો અને કોલોનીના રહેવાશીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

[img_assist|nid=47596|title=1|desc=|link=none|align=left|width=403|height=302]જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતિના કન્વિનર શ્રી તરૂણકાંત છાયાએ જણાવ્યું હતું કે, જળપેડી એ આપણી પ્રચીન પરંપરા છે. સમયાંતર આ પરંપરા લુપ્ત થઇ રહ્યી છે ત્યારે આવા લોકજાગૃતિના કાર્યક્રમો દ્વારા આ પરંપરાને ફરીથી જીવંત કરવાના પ્રયાસ રૂપે આજે આપણે અહી બધા એકત્ર થયા છીએ. એકટ અને જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતિ તો વરસાદી પાણીના સંગ્રહ બાબતે કાર્ય તો કરે જ છે પણ એ સાથે આનંદની વાત એ છે કે, આ કામગીરીમાં વહીવટી તંત્ર, નગરપાલિકા અને ભાડા જેવા સરકારી વિભાગો પણ પૂર્ણ સહકાર આપે છે. શ્રી વિનાબા ભાવેએ કહ્યું છે કે, લોકોની જાગૃતિ હશે તો કાર્ય સારા અને સફળતાપૂર્વક સંર્પૂણ થશે. જયુબેલી કોલોનીનું આ કાર્ય આ બાબતનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. ત્યાર બાદ તેમણે જણાવ્યું હતું કે, જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતિના સક્રિય અને કર્મઠ તથા ઇતિહાસ વિશારદ તરીકે જાણીતા સભ્ય શ્રી વિનુભાઇ ગજ્જરનું તારીખ ૦૭-૦૬-૨૦૧૪ના રોજ હાર્ટ એટેકથી દુ:ખદ અવસાન થયું હતું એટલે તેમને શ્રદ્ઘાંજલી સ્વરૂપે બે મિનિટ મૌન રાખીશું.

[img_assist|nid=47597|title=2|desc=|link=none|align=left|width=403|height=302]શ્રદ્ઘાંજલી બાદ એકટ સંસ્થાના ડાયરેકટર શ્રી ડો. યોગેશ જાડેજાએ જણાવ્યું હતું કે, શહેરનો વિકાસ થઇ રહ્યો છે જેને લીધે વરસાદનું સપાટીય પાણી વહીને જતું રહેતું હોય છે. આ વહેતા પાણીને જો ચોક્કસ વહેણો ન મળે તો તે જળ હોનારતમાં પરિણમે છે. આ પરિસ્થિતિમાં વહેતા પાણીનું ભૂગર્ભમાં રિચાર્જ થતું નથી અને જનતાને પૂર સંકટ જેવીસ્થિતિનો સામનો કરવો પડે છે. આવા સંજોગોમાં ફકત એક કોલોની નહી પણ સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણી બાબતે વ્યવસ્થાપન થવું જરૂરી છે. અહીં જયુબેલી કોલોનીમાં આવા વ્યવસ્થાપનના આયોજનને પોસ્ટર પ્રદર્શનના માધ્યમથી લોકો અને વહીવટી તંત્ર સમક્ષ મૂકવાની વાત કરવામાં આવી છે. જયુબેલી કોલોનીની કામગીરી તો એક શરૂઆત માત્ર છે. જયારે જયુબેલી કોલોની સાથે સલગ્ન સમગ્ર વિસ્તારના આયોજનનું અમલીકરણ થશે ત્યારે આ શરૂ કરેલી કામગીરી પૂર્ણત: સંપૂર્ણ થયેલી કહેવાશે.

(ક્રમશ:)

વિનીત કુંભારાણા